ઘોડાસરમાં લોકોએ બનાવેલી દિવાલ તોડતા વેપારીને માર મારી દુકાન સળાવવાની ધમકી
રહીશોએ રાતો રાત મેડીકલ સ્ટોર આગળ આઠ ફૂટની દિવાલ બનાવી દીધી
જેસીબીથી દિવાલ તોડતા સોસાયટીના રહીશોએ હુમલો કર્યો
અમદાવાદ, શનિવાર
ઘોડાસર કેનાલ પાસેના કોમ્પલેક્ષમાં મેડીકલ સ્ટોરની ૨૭ વર્ષથી દુકાન હતી બે મહિના પહેલા રાતો રાત સોસાયટીના રહીશોએ દુકાન બહાર દિવાલ કરી દીધી હતી જેથી વેપારીએ પોલીસને જાણ કરીને દિવાલ તોડી નાખી હતી. જેને લઇને રહીશોએ ભેગા મળીને વેપારીને માર માર્યો હતો. આ ઘટના અંગે વેપારીએ બે મહિલા સહિત છ લોકો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
મેડીકલ સ્ટોરના વેપારીએ પોલીસને જાણ કરી જેસીબીથી દિવાલ તોડતા સોસાયટીના રહીશોએ હુમલો કર્યો ઃ બેભાન અવસ્થામાં સારવાર કરાવી
મણિનગરમાં રહેતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઘોડસરમાં રહેતા યુવક અને બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દુકાન ૨૭ વર્ષથી છે તેમની ગેર હાજરમાં બે મહિના પહેલા લોકોએ દુકાન આગળ આઠ ફૂંટ ઉંચી દિવાલ બનાવી દેતા મેડીકલ સ્ટોરમાં આવવા જવા માટેનો રસ્તો બ્લોક થઇ ગયો હતો. અનેક રજુઆતો કરવા છતાંય સોસાયટીના રહીશોએ દીવાલ હટાવી નહોતી. જેને લઇને દુકાદારે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને અરજી કરી હતી. તા. ૨૮ના રોજ વેપારીએ જેસીબી મશીન મંગાવીને દીવાલ તોડી નાંખી હતી. જેથી સોસાયટીની મહિલાઓ તથા અન્ય રહીશોએ ભેગા થઈને મેડીકલના સ્ટોરના માલિકને ઢોર માર્યો હતો. આ સમયે મેડીકલના વેપારીનો સાળો છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. સોસાયટીના સભ્યોએ દુકાન સળગાવી દેવાની પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.