Get The App

આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ 1 - image


Vadodara Flooding : વડોદરામાં પૂરના પાણી તો ધીમે ધીમે ઓસરી રહ્યા છે તેની સાથે લોકોમાં આક્રોશનો અગ્નિ પ્રગટી રહ્યો છે. શહેરમાં ચોતરફ પૂરે સર્જેલી તબાહીનાં દૃશ્યો સામે આવી રહ્યા છે. આ પૂર કુદરતી નહીં પરંતુ શાસન સર્જિત હોવાની એક દૃઢ માન્યતા સાથે લોકોનો ગુસ્સો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ભભૂકી ઉઠયો છે. મકાનો અને દુકાનોમાં ઘરવખરી અને માલસામાન પૂરના પાણીમાં ક્યાંક તણાઈ ગયા છે તો ક્યાંક પલળી ગયા છે. 

પૂરના પ્રવાહમાં તણાયેલા વાહનો એક પર એક ચઢેલા નજરે પડી રહ્યા છે. વડોદરાના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશિપ અને ગરાસીયા મહોલ્લાનો વિસ્તાર આજે ત્રીજા દિવસે હજુ પણ પાણીમાં છે. પરંતુ તેની નજીક કે જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં પૂર બાદની સ્થિતિ ચોંકાવનારી છે, અહીં વાહનોનો ખુરદો બોલી ગયો છે તો ક્યાંક ઘરવખરીને ભારે નુકસાન થયું છે, સાથે લોકો ઘરોમાંથી પાણી ઉલેચી રહ્યા છે.

આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ 2 - image

વધું વાંચો : વડોદરા તંત્રની ઘોર બેદરકારી, કરોડોના ખર્ચે ખરીદેલી 20 સ્પીડ બોટ પૂર વચ્ચે પણ ધૂળ ખાતી રહી

સ્થાનિકો રોષ સાથે જણાવી રહ્યા છે કે પૂર દરમિયાનના વીતેલા ત્રણ દિવસો ક્યારે પણ નહિ ભૂલીએ. અમારી પડખે કોઈ જ આવ્યું નથી. અનાજ, ટીવી, ફ્રીઝ સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. અમે અમારો સામાન બચાવવાના બદલે જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. સ્થિતિ અચાનક એટલી વણસી કે લોકોને પાછળ વળીને જોવાનો પણ સમય મળ્યો નથી અને બધું જ છોડી ભાગવું પડ્યું છે. 

સ્થાનિકો અફસોસ સાથે કહી રહ્યા છે કે સમખાવા પૂરતો એક પણ નેતા તેમની વહારે આવ્યો નથી કે નથી તેમને કોઈ જમવાનું કે પાણી આપવા આવ્યું. લોકો ભગવાન ભરોસે ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. 

આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ 3 - image

હવે પૂરના પાણી ઉતરી ગયા એટલે મુશ્કેલીનો અંત આવી ગયો એવું નથી. હવે સાચી મુશ્કેલી શરુ થઈ છે, અને એ છે પોતાના ઘરોની સાફ સફાઈ કરવાની. સૌથી મોટી ચેલેન્જ ઘરોમાંથી પાણી હજુ પણ ઓસરવાનું નામ જ લેતા નથી, લોકો મજબૂર છે બેબસ છે. ત્યારે સરકારી અધિકારીઓ અમારા વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે અમે તેમને સાહેબ અહીંયા આવો અમારી સ્થિત જુઓ તેમ કહેતાં જ સરકારીબાબુઓ અમારી બૂમોને અનદેખી કરી પલાયન થઈ જાય છે.

વધું વાંચો : વડોદરામાં ભયાનક દૃશ્યો સામે આવ્યા, હરણ-નીલગાયના મૃતદેહો દેખાયા, અનેક પાંજરા હજુ પાણીમાં

આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ 4 - image



Google NewsGoogle News