સ્કૂલોમાં માસ પ્રમોશનની કોઈ જ વિચારણા નથી : શિક્ષણમંત્રી
- પ્રાથમિક, માધ્યમિક-ઉ.મા.માં બાળકોનો ઓનલાઈન અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો છે : સરકારનો દાવો
અમદાવાદ, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર
કોરોનાને લીધે પ્રાથમિક અને ધો.9થી12ની સ્કૂલો હજુ પણ શરૂ થઈ શકી નથી અને કયારે શરૂ થશે તે નક્કી નથી ત્યારે માસ પ્રમોશનની ઉઠેલી માંગ વચ્ચે શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે સ્કૂલોમાં માસ પ્રમોશનની સરકારની કોઈ જ વિચારણા નથી.
સરકારે 23મી નવેમ્બરથી રાજ્યમાં ધો.9થી12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કર્યા બાદ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાના કેસો વધતા સરકારે સ્કૂલો શરૂ કરવા નિર્ણય પડતો મુકવો પડયો હતો.
કોરોનાના સંક્રમણ વચ્ચે સ્કૂલો હવે ક્યારે ખુલશે તે પણ નક્કી નથી અને ખાસ કરીને ચાલુ શૈક્ષણિક વર્ષના અંત સુધી પ્રાથમિકની સ્કૂલો ખુલે તેવી કોઈ શક્યતા નથી.જેને લઈને વાલી મંડળ દ્વારા ધો.3થી8 અને ધો.9 અને 11માં માસ પ્રમોશન આપવા અથવા ઝીરો યર જાહેર કરવા પણ માંગ ઉઠી હતી.
સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાની વિચારણાને લઈને વહેતી થયેલી ચર્ચા અને અફવા વચ્ચે આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે માસ પ્રમોશનના વહેતા થયેલા સમાચાર પાયા વિહોણા છે.સરકારની આવી કોઈ જ વિચારણા નથી.હાલ સ્કૂલોમાં બાળકોનો ઓનલાઈન અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો છે.