વીજચોરો પર સકંજો : ચોરી થશે તો લોકેશન સાથે ખબર પડી જશે

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News
વીજચોરો પર સકંજો : ચોરી થશે તો લોકેશન સાથે ખબર પડી જશે 1 - image


વીજ ચોરી રોકવા સરકારની નવી યોજના

કેન્દ્રએ સ્કાડા યોજના તૈયાર કરી, વીજમિટરોનું મોનિટરિંગ કરાશે, ચારેય ઉર્જા કંપનીમાં યોજના લાગુ કરવામાં આવશે 

અમદાવાદ : વર્ષે દહાડે કરોડો રૂપિયાની વીજચોરી અટકાવવા રાજ્ય સરકાર સજ્જ બની છે તે જોતાં  હવે ગુજરાતમાં વિજચોરો પર સકંજો કસાશે. તેમની ઉપર નજર રાખવા કેન્દ્ર સરકારે ઘડેલી યોજનાનો ગુજરાતમાં અમલ કરવા સરકારે નક્કી કર્યુ છે.

આ યોજનાને પગલે જો વીજચોર એક યુનિટ વીજળીની ચોરી કરશે તો પળવારમાં જ કયા મિટરથી, કયા વિસ્તારમાં વિજ ચોરી  થઇ તે ની  ખબર પડી જશે. રાજ્યમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાની વિજચોરી થઇ રહી છે.આ ઉપરાંત વિજ કર્મચારીઓ મિટર ચેકિંગ કરવા જાય ત્યારે હુમલા થવાની પણ વારંવાર ઘટનાઓ બને છે.

આ જોતાં વિજચોરીને ડામવા રાજ્ય સરકારે કેન્દ્રની એક યોજનાનો અમલ કરવા નક્કી કર્યુ છે. સૂત્રોના મતે, વિજચોરીને ડામવા ગુજરાત સરકાર સ્કાડા નામની યોજના લાગુ કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ તમામ  વિજમિટરોનુ એકસાથે મોનિટરીંગ કરવામાં આવશે જેથી વિજચોરી પર મહદઅંશે કાબુ મેળવી શકાશે.

સ્કાડા નામની યોજના અમલી થશે તો તમામ વિજ મિટરો બદલાઇ જશે. ત્યારબાદ એક યુનિટની પણ  વિજ ચોરી થશે તો કયા મિટરમાંથી અને કયા વિસ્તારમાંથી વિજ ચોરી થઇ છે તેની વિજ કંપનીને ગણતરીની મિનટોમાં જ જાણ થઇ જશે. માત્ર વિજચોરી જ નહીં, રોજ કેટલી વિજળી  વપરાઇ અને કેટલી વિજળીનો સ્ટોરેજ છે તેની પણ માહિતી વિજ કંપનીઓને મળી રહેશે.

ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિજ કંપનીઓમાં આ સ્કાડા યોજના લાગુ કરવા રાજ્ય ઉર્જા વિભાગે નક્કી કર્યુ છે. સ્કાડા યોજનાને લીધે વિજ કંપનીઓને વિજ ચોરીને થતુ નુકશન અટકાવી શકાશે. અત્યારે આ યોજનાની અમલવારીને લઇને ઉર્જા વિભાગે ચર્ચા વિચારણા શરૂ કરી છે.


Google NewsGoogle News