વરસાદી છાંટા વચ્ચે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું
- બાવળામાં 3 મિ.મી., માંડલમાં 1 મિ.મી. વરસાદ નોંધાયો
- અમદાવાદમાં ઠંડીના ચમકારા વચ્ચે શહેરીજનો ઠુંઠવાયા, વરસાદ અને ભેજના કારણે રવી પાકોને ફાયદો થશે
અમદાવાદ,તા.18 નવેમ્બર 2021, ગુરૂવાર
અમદાવાદમાં ગુરૂવારે સવારે પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ બની ગયું હતું. સૂર્ય પ્રકાશ પણ સવારે ધરતી પર પડયો નહતો. જિલ્લામાં સવારે ૬ થી ૮ ના ગાળામાં બાવળામાં ૩ મિ.મી. અને માંડલમાં ૧ મિ.મી.વરસાદ પડયો હતો. અમદાવાદ શહેરમાં વરસાદી છાંટા વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. દિવસે પણ ઠંડી લાગતી હતી. અમદાવાદમાં ગુરૂવારે લઘુતમ ૨૩ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.
ગુરૂવારે સવારે પૂર્વ અમદાવાદમાં ચારેતરફ ધુમ્મસિયું વાતાવરણ બની ગયું હતું. વિઝિલિલીટી ઘટી જતા વાહનો પણ ધીમી ગતિએ હંકારવાની વાહનચાલકોને ફરજ પડી હતી. સવારમાં વરસાદી છાંટા પડયા હતા. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેને લઇને શહેરીજનોએ આજે મોટાભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. સ્વેટર પહેરીને લોકો બહાર નીકળ્યા હતા.
બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને લઇને ખેતીપાકોને શું ફાયદો અને નુકશાન થશે ? તે અંગે ખેતીવાડી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રવિ પાકમાં ઘઉં, જીરૂ, રાયડો, શાકભાજીના પાકને ફાયદો થશે. પિયતની બચત થશે. સમયસર પિયત મળી રહેશે, વીજબિલ ઘટશે. ભેજના કારણે જીરૂનો પાક ઉગી નીકળશે. હાલમાં પાકમાં રોગચાળો ફેલાવાની કોઇ શક્યતા નથી.
ખરીફ પાકમાં કાપણી થઇ ચૂકી છે. કપાસ બિનપિયત હોય અને વિણી ન કરી હોય તો કપાસના પાકની ગુણવત્તાને અસર થાય પરંતુ બિનપિયત કપાસના કોઇપણ વિસ્તારમાં વરસાદ ન હોવાથી ખેડૂતોને રાહત રહેશે.