છ ઔષધિના પર્ણના ઉપયોગથી ડાયાબિટીસ કન્ટ્રોલ થાય છે, ઇન્સ્યુલિનની માત્રા વધે છે
લીમડો, જાંબુ, મીઠો લીમડો, આંબો, તુલસી અને પપૈયાના પાનનો ઉપયોગ કરવાથી શરીરમાં સુગર લેવલ ઘટે છે અને ઇન્સ્યુલિન વધે છે
ગાંધીનગર : આપણી આસપાસ એવી કેટલીક વનસ્પતિ છે કે જેના પાનના ઉપયોગથી ઘણાં રોગ દૂર થઇ જાય છે. સંશોધકો અને આયુર્વેદના નિષ્ણાંતોએ દર્દીઓ પર પ્રયોગ કરીને જટીલ એવા ડાયાબિટીસના રોગને પણ કાબૂમાં લીધો છે. જો કે આવી વનસ્પતિના પાનનો ઉપયોગ કરવાથી કોઇ આડ અસર થતી નથી પરંતુ ઉપયોગ કરતાં પહેલાં વૈદ્યરાજની સલાહ અવશ્ય લેવી જોઇએ.
લીમડો : લીમડાના પાનને આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. તે સ્વાદમાં કડવો લાગે છે પરંતુ તેના ફાયદા ખૂબ જ મીઠા છે એટલે કે તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે એન્ટિબાયોટિક તત્વોથી ભરપુર હોય છે. તેને ખાવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં આવે છે, સાથે સાથે અનેક બીમારીઓનો પણ નાશ થાય છે. લીમડાના પાન આંતરડાને ગ્લુકોઝનું શોષણ કરતા અટકાવવા ઉપરાંત, લીમડાના પાનથી શરીરની ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. નિષ્ણાતો દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન પીસીને તેના રસની એક ચમચી પીવાની સલાહ આપે છે.
જાંબુ : ભારત, બ્રિટન અને અમેરિકામાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં, જાંબુના પાનમાં રહેલ 'માઈરિલિન' નામનું તત્વ લોહીમાં ખાંડનું સ્તર ઘટાડવામાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાતો વધતા જતા બ્લડસુગર પર સવારે ચારથી પાંચ પાંદડાઓ પીસીને પીવાના સલાહ આપે છે. અને જ્યારે શુગર કાબૂમાં આવી જાય ત્યારે તેનું સેવન બંધ કરી દેવું જોઇએ.
મીઠો લીમડો : મીઠા લીમડાનાં પાનમાં લોહ તત્વ, ઝીંક અને તાંબુ જેવા ખનીજો સ્વાદુપિંડના બીટા-કોષોને સક્રિય કરે છે, સાથે સાથે તેને નષ્ટ થતાં પણ બચાવે છે. તેના કારણે આ કોષો ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઝડપી બનાવે છે. ડાયાબિટીસ પીડિતોએ દરરોજ સવારે ખાલી પેટે 10 પાન ચાવવાથી ફાયદો થાય છે.
આંબો : ડાયાબિટીઝના દર્દીઓને કેરી ન ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેના પાંદડા રોગ નિવારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આંબાના પાન ગ્લુકોઝ શોષણ કરવાની આંતરડાની ક્ષમતામાં ઘટાડો કરે છે જેથી લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. આંબાના પાંદડા સુકવીને પાવડર બનાવી પીવા જોઇએ.
તુલસી : પાચન તંત્રને મજબૂત રાખવાવાળા તુલસીના પાન સ્વાદુપિંડના બીટા કોષોની પ્રવૃત્તિને જાળવી રાખે છે જેથી આ કોષો ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા ઉત્પન્ન કરે છે અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીઝના પીડિતોએ દરરોજ સવારે ખાલી પેટે તુલસીના ચાર-પાંચ પાન ચાવવાથી ફાયદો થાય છે.
પપૈયા : એએલટી અને એએસટી એન્ઝાઇમનું સ્તર ઘટાડવામાં પપૈયાના પાન અસરકારક છે. તેના કારણે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની શરીરની ક્ષમતામાં વધારો થાય છે, અને ગ્લુકોઝ ઝડપથી ઉર્જામાં પરિવર્તિત થાય છે. યકૃત વધવાનું, કિડની ખરાબ થવાનું જોખમ ઘટાડવામાં પપૈયાના પાન અસરકારક છે. દરરોજ સવારે પપૈયાના પાન પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે.