ગેંગરેપ જ્યાં થયો હતો તે રોડ પર હજી અંધારું ઃ સ્ટ્રીટલાઇટ નાંખી નથી
બીજી મોટી ઘટનાની રોહ જોતું તંત્ર ઃ રોડ બનાવી દીધો પરંતુ લાઇટની સુવિદ્યા નહી હોવાથી અસામાજિક તત્વો અને યુગલોને રાત્રે મોજ
વડોદરા, તા.24 વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરુ રોડ પર ધોરણ-૧૧ની વિદ્યાર્થિની પર ગેંગરેપની ચકચારી ઘટના બાદ પણ તંત્ર હજી સુધી જાગ્યું નથી. આ રોડ તેમજ તેની નજીકના રોડ પર હજી પણ લાઇટની સુવિદ્યા નહી અપાતા ફરી આ નિર્જન રોડ પર ગમે ત્યારે મોટી ઘટના બને તો નવાઇ નથી.
ઉલ્લેખનીય છે કે ભાયલી વિસ્તારમાં લાઇટ વગરના રોડ પર વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ સાથે નવરાત્રિ દરમિયાન ગઇ હતી ત્યારે ગેંગરેપની ઘટના બની હતી. રાત્રિના અંધારામાં તેમજ સ્ટ્રીટ લાઇટ ના હોય તેવી જગ્યાએ અસામાજિક તત્વોના અડ્ડા હોય છે અને તેનો જ ભોગ વિદ્યાર્થિની તેમજ તેનો બોયફ્રેન્ડ બન્યા હતાં. આ ચકચારી ઘટનાને બે સપ્તાહથી વધુનો સમય થઇ ગયો પરંતુ આ વિસ્તારની હાલત હજી પણ એવી ને એવી જ છે.
આ વિસ્તારમાં રોડ તો તૈયાર કરી દેવામાં આવ્યો છે પરંતુ સ્ટ્રીટ લાઇટ નહી હોવાના કારણે રાત્રે અસામાજિક તત્વોને લીલાલહેર થઇ જાય છે. રાત્રિના સમયે કેટલાંક યુગલો આવા સ્થળ પર આવીને નિર્લજ્જ કૃત્ય પણ કરતાં હોય છે. રાત્રે લાઇટ નહી હોવાથી સામાન્ય રીતે મોટાભાગના લોકો તે રોડ પરથી પસાર થવાનું ટાળે છે પરંતુ ખોટા કામ કરવાવાળાને મોજ પડી જાય છે. સમગ્ર રાજ્યમાં ગેંગરેપની ચકચારી ઘટના છતાં પણ હજી તંત્ર સુધર્યું નથી.
પોલીસ દ્વારા આવા સ્થળોએ રાત્રિ પેટ્રોલિંગ તો શરૃ કરવામાં આવ્યું છે પરંતુ પોલીસને પણ રોડ પર લાઇટ નહી હોવાથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખર ગેંગરેપ જેવો ગંભીર બનાવ બન્યો હોવા છતાં પણ તંત્ર હજી જાગ્યુ નથી અને ફરી કોઇ ગંભીર બનાવ બને તેની રાહ જોઇ રહ્યું છે. ભાયલી ખૂબ ઝડપથી વિકસિત થતો વિસ્તાર છે, આવા સ્થળે રોડની સાથે સાથે સ્ટ્રીટલાઇટોની પણ સુવિદ્યા ઊભી કરી દેવી જોઇએ તેના બદલે આ વિસ્તારના લોકોને રાત્રિના અંધારામાં જ રાખવું તંત્રને પોષાતું હોય તેમ લાગે છે.