વસ્ત્રાલમાં કબીર મંદિર તરફ જવાનો રસ્તો બિસ્માર, લોકો ત્રસ્ત
- મ્યુનિ.તંત્રની બેદરકારી સામે રહીશોમાં ભારે આક્રોશ
- રિંગ રોડ પરના સર્વિસ રોડ પણ તૂટી ગયા, વાહનચાલકોએ ટ્રાફિકમાં ફસાવું પડે છે
અમદાવાદ,તા.24 જાન્યુઆરી 2022,સોમવાર
વસ્ત્રાલમાં મેટ્રો બ્રિજના છેલ્લા પીલ્લરથી ગામ તરફ કબીર મંદિર બાજુએ જવાના માર્ગે રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડયો છે. મસમોટા ખાડા, તૂટેલા ડામરના રોડ, ધુળની ઢગલીઓ રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી રહી છે.
પૂર્વ અમદાવાદમાં વસ્ત્રાલ વિકાસની દ્રષ્ટિએ આગળ મનાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુનિ.તંત્ર દ્વારા આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓમાં ધાંધિયા શરૂ કરાયા છે. ગટર, પાણી, રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટો જેવી સુવિધા માટે લોકો ઝંખી રહ્યા છે.
જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં મરામતનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉભરાતી ગટરો , બંધ સ્ટ્રીટલાઇટ, તૂટેલા રોડ મ્યુનિ.તંત્ર અને સત્તાધીશોની બેદરકારીની ચાળી ખાય છે. લોકો હેરાન થઇ રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન અકસ્માતના બનાવો બની રહ્યા છે.
કબીર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તગણો દર્શનાર્થે આવતા હોય છે આ મંદિર તરફ જવાનો આખો રોડ તૂટેલી હાલતમાં પડયો છે. રહીશોની રજૂઆત છતાંય મરામત કરવામાં આવતી નથી. સ્થાનિક રહીશોની માંગણી છેકે વસ્ત્રાલ ગામની પ્રાથમિક શાળાથી લઇને કબીર મંદિર સુધીનો રોડ નવો બનાવવામાં આવે.
રિંગરોડ પર સર્વિસ રોડ તૂટેલી હાલતમાં છે. ગટર લાઇન માટેના ખાડા જીવલેણ પુરવાર થઇ રહ્યા છે. સાંકળા અને તૂટેલા સર્વિસ રોડ હાલાકી વધારી રહ્યા છે. તેવામાં દબાણ હોવાથી તેમજ આડેધડ પાર્કિંગ હોવાથી અવર-જવર મુશ્કેલ બની ગઇ છે. લોકો પરેશાન થઇ રહ્યા છે.