રોડ પર આડેધડ લારીઓનું દબાણ લેન્ડગ્રેબિંગ સમાન છે

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
રોડ પર આડેધડ લારીઓનું દબાણ લેન્ડગ્રેબિંગ સમાન છે 1 - image


ફૂટપાથ પર ધંધો કરવાનો અધિકાર કોઇને નથી : મહેસૂલ મંત્રી

વેપારીઓ દુકાનો બહાર લટકણિયાં લટકાવે છે તે હટાવવા જ જોઇએ : વેજ-નોનવેજની લારીઓનાં દબાણો દૂર કરવા જોઇએ

વડોદરા : વડોદરા શહેરમાં જાહેર માર્ગો ઉપર આડેઘડ ઉભી રહેલી લારીઓનું દબાણ એ એક જાતનું લેન્ડ ગ્રેબિંગ છે અને દુકાનની બહાર લટકતા લટકણીયા વાહન ચાલકો તથા રાહદારીઓ માટે આફત સમાન હોય તે વડોદરા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઇએ તેમ રાજ્યના મહેસૂલ મંત્રીએ અત્રે જણાવ્યું હતું. 

જાહેર રસ્તા પર ઇંડા અને નોન - વેજની  તેમજ બીજી લારીઓના દબાણના પ્રશ્ન લાંબા ગાળાનો છે. ફૂટપાથ પર કે રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઇને ધંધો કરવો જોઇએ તેમ જણાવી મહેસૂલ મંત્રીએ વધુમાં કહ્યું છે કે વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓને વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલુ પગલુ પ્રશંસનીય છે.

આવી લારીઓના દબાણો હટાવવા માટે તેમણે સખત પગલા લેવાની હિમાયત પણ કરી છે. રસ્તા પર ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ રહેતા તેમણે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી. નોનવેજ અને વેજ પદાર્થો  વેચતી તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઇએ. 

નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડે છે, માટે તે હટાવવી જોઇએ.  તેમણે એમ પણ જણાવ્યું હતું કે  દુકાનદારો પોતાની દુકાન બહાર કપડાં પ્રદર્શિત કરવા ફૂટપાથ પર પૂતળા મુકીને દબાણ કરતા હોય છે. લટકણીયા લટાકાવીને પણ દબાણ કરે છે. જેને કારણે લોકોને આવ-જા કરવામાં તકલીફ પડે છે. કોર્પોરેશને વિડિયો ઉતારી અને ફોટોગ્રાફી કરી આવા વેપારીઓ સામે પેનલ્ટી કરવી જોઇએ.

વડોદરામાં આદેશ કર્યો બીજા દિવસે પલ્ટી મારી

અલબત્ત, વડોદરા શહેરમાં 24 કલાકમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આદેશ બદલી નાંખવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે નોનવેજ ઢાંકીને રસ્તા પર વેચી શકાશે. કોર્પોરેશને નક્કી કર્યું છે કે નોનવેજ અને ઇંડાની લારીઓ હાલ પુરતી બંધ નહીં થાય પરંતુ જાહેરમાં આવી ખાદ્યચીજો વેચતા લારીધારકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે. વડોદરામાં ગઇકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા અધિકારીઓની બેઠકમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકતો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગાંધીનગર

જાહેરમાં માર્ગો અને રસ્તા પર ઇંડાની આમલેટ અને નોનવેજ બનાવતી લારીઓ પર તવાઇ લાવવા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વિચારણા કરી રહ્યું છે. આ અંગે મહાનગરે લારીઓનો સર્વે પણ કરાવી લીધો છે પરંતુ લારીઓને હટાવવાની અરજીના આધારે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.


Google NewsGoogle News