પાલડી-એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ PIથી ચાલે છે
- આઠ નવા PI આવ્યા પણ નિમણૂક નહીં
- કોંગ્રેસ ભવન અને એસવીપી હોસ્પિટલ હોવાથી એલિસબ્રિજ સંવેદનશીલ : પાલડી વ્યાવસાયિક હબ
અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર
તહેવારો ચાલી રહ્યાં છે અને લોકોની ચહલપહલ શરૂ થઈ છે ત્યારે સતત ધમધમતા આશ્રમ રોડ પરના પાલડી અને એલીસબ્રિજ પોલીસ સ્ટેશન છેલ્લા 15 દિવસથી ઈન્ચાર્જ પી.આઈ.થી ચાલી રહ્યાં છે.
એલીસબ્રિજ પી.આઈ.ની બદલી થઈ છે અને પાલડી પી.આઈ.ને કોરોના થયો છે. આ સ્થિતિમાં સેટેલાઈટ અને વાસણા પી.આઈ.એ બે-બે પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળવાનો વખત આવ્યો છે. શહેર પોલીસમાં આઠ-આઠ પી.આઈ. નિમણૂંકની રાહ જોઈ રહ્યાં છે છતાં નિમણૂંક થતી નથી.
અમદાવાદના પોલીસ કમિશનર બિમાર પડયાં છે તેવા તબક્કે શહેરના મહત્વના પોલીસ સ્ટેશન પી.આઈ. વગર ચાલી રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં ખરીદીની ભીડ શરૂ થઈ છે અને આશ્રમ રોડ પર ચહલપહલ શરૂ થઈ છે. આ સિૃથતિમાં આશ્રમ રોડ પરના બે મહત્વના એલિસબ્રિજ અને પાલડી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પી.આઈ.થી ચાલી રહ્યાં છે.
એલીસબ્રિજ પી.આઈ. અપૂર્વ પટેલની બદલી થતાં ગત તા. 20થી સેટેલાઈટના પી.આઈ. જે.બી. અગ્રાવતને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઈસ્કોન અને શિવરંજની સહિતના બજાર વિસ્તારો છે. તો, એલીસબ્રિજ વિસ્તારમાં કોંગ્રેસ ભવન અને કોરોના સમયે એસવીપી હોસ્પિટલ વાઈટલ ઈન્સ્ટોલેશન છે. આમ છતાં, 15 દિવસથી ઈન્ચાર્જ પી.આઈ.થી ગાડુ ગબડાવાઈ રહ્યું છે.
જ્યારે, પાલડી પી.આઈ. એ.જે. પાંડવને કોરોના થયો છે. પી.આઈ. પાંડવ માંદગીની રજા પર હોવાથી પાલડીનો ચાર્જ વાસણાના પી.આઈ. એમ.એમ. સોલંકીને આપવામાં આવ્યો છે. વાસણા સંવેદનશીલ અને પાલડી બજાર વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારમાં પણ એક જ પી.આઈ.ને બે-બે પોલીસ સ્ટેશન સંભાળવાનો વખત આવ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે કે, પોલીસ કમિશનર કચેરી ખાતે આઠ પી.આઈ. પોસ્ટિંગ મળે તેની રાહ જોઈ રહ્યાં છે. પી.આઈ.નું પૂરતું કોરમ હોવા છતાં પશ્ચિમ વિસ્તારના બે મહત્વના પોલીસ સ્ટેશન પખવાડિયાથી ઈન્ચાર્જ પી.આઈ.થી ચલાવાય છે તે બાબત આંચકો અને આશ્ચર્ય આપે તેવી છે.