'કઠપૂતળી માટે ગેરમાન્યતા એ છે કે બાળકોના મનોરંજન માટે જ છે' : દાદી પુદુમજી
કઠપૂતળી તો નિર્જીવ છે, કલાકાર પોતાની વાર્તા દ્વારા તેને જીવંત કરે છે,ચાંપાનેરમાં વિશાળ કઠપૂતળીઓની પરેડ જોઇને લોકો દંગ રહી ગયા
વડોદરા : વિશ્વની અતિ પ્રાચીન કલા પૈકીની એક કઠપૂતળીની કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરતા પુણે સ્થિત પારસી કલાકાર દાદી પુદુમજીએ ૧૨ થી ૧૫ ફૂટની કઠપૂતળીઓને ચાંપાનેર (પાવાગઢ)ના રસ્તા પર ઉતારીને પરેડ યોજી હતી. ગુજરાતમાં યોજાયેલા આ પ્રકારની પ્રથમ પરેડ હતી જેને જોઇને લોકો દંગ રહી ગયા હતા.
દાદી પુદુમજી સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'કઠપૂતળીની બાબતે ગેરમાન્યતા એ છે કે તે માત્ર બાળકોના મનોરંજન માટે જ છે. આ કળા વયસ્કો માટે પણ છે. કઠપૂતળી તો નિર્જીવ છે. કલાકાર પોતાની વાર્તા દ્વારા તેને જીવંત કરે છે. માટે વાર્તાનો વિષય ક્યો છે તેના પર નિર્ભર કરે છે કે કઠપૂતળીનો શો બાળકો માટે છે કે વયસ્કો માટે છે.'
ઉલ્લેખનીય છે કે દાદી પુદુમજીને કઠપૂતળીની કલાને જીવંત રાખવા માટે સંગીત નાટય અકાદમી તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. દાદી પુદુમજીએ દોરી વડે સંચાલિત પરંપરાગત કઠપૂતળીની સાથે કલાકારો પહેરીને શો કરી શકે તેવી વિશાળ ૧૨ થી ૧૫ ફૂટની કઠપૂતળીઓ પણ તૈયાર કરી છે અને તેના દ્વારા તેઓ વિવિધ વિષયોને લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ટીવીનો યુગ શરૃ થયો ત્યારે સન ૧૯૭૬માં ઇસરો સાથે મળીને કઠપૂતળીનો શો પણ દાદી પુદુમજીએ તૈયાર કર્યા હતો.ઇજીપ્તમાંથી મળેલા પુરાવાના આધારે કઠપૂતળીની કળા ૪૦૦૦ વર્ષ કરતા પણ જુની હોવાનું માનવામાં આવે છે.
મહાન કલાકારો પાસેથી સાદગી અને સરળતાના ગુણ પણ શિખવા મળે છે : માનવ ગોહિલ
'ચાંપાનેર મારા માટે તો આજે પણ પાવાગઢ જ છે હું વડોદરામાં રહેતો હતો ત્યારે ચાંપાનેર અંગે જાણતો હતો પરંતુ ક્યારેય હેરિટેજ સાઇટની મુલાકાતે નથી ગયો. આજે કાર્યક્રમના કારણે હેરિટેજ સાઇટની મુલાકાત શક્ય બની' તેમ જાણીતા ટેલિવિઝન એક્ટર માનવ ગોહિલે કહ્યું હતું.
'પાછલા ૨૦ વર્ષમાં વડોદરા ઘણું બદલાઇ ગયુ છે. શુક્રવારે મે અલકાપુરીની ગલીઓમાં લટાર મારી હતી. અલકાપુરી વિસ્તાર હજુ એવો જ છે. ત્યાની ગલીઓ, બંગલાઓ. ચાંપાનેર ખાતે કાર્યક્રમમાં હું એક્ટિંગ નહી પરંતુ એન્કરિંગ કરવા માટે આવ્યો છું. બન્ને ફિલ્ડ તદ્દન અલગ છે. કેમેરા સામેની એક્ટિંગમાં રિટેક હોય છે. એન્કરિંગમાં એવી તક નથી મળતી સમગ્ર કાર્યક્રમનો ભાર તમારા ઉપર હોય છે. મે ગુજરાતમાં ધોળાવીરા અને રાણીની વાવ જેવી હેરિટેજ સાઇટ ઉપર મહાન કલાકારો સાથે એન્કરિંગ કર્યુ છે. મહાન કલાકારો પાસેથી કળા ઉપરાંત તેઓની સાદગી અને સરળતાના ગુણ પણ શિખવા મળે છે.' તેમ માનવે ઉમેર્યુ હતું.
પોતાને ખુશ રાખવા માટે લોકો સોશિયલ મીડિયાનો સહારો લે છે : સંગીત હલદીપુર
ભારતના નંબર-૧ વાયોલિન વાદક અને કમ્પોઝર અમર હલદીપુરના પુત્ર સંગીત હલદીપુર પણ મ્યુઝિક કમ્પોઝર છે. લવ ગેમ્સ-લવ ડેન્જરસ્લીનું આવારગી અને મર્ડર-૨ નું તુજકો ભુલાનાથી પ્રસિધ્ધ થયેલ સંગીત હલદીપુર વડોદરા આવ્યા હતા તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને ઓટીટી જેવા પ્લેટફોર્મથી નવા અને ઉગતા કલાકારોને મોટો ફાયદો થયો છે. ઉગતા કલાકારોએ પહેલા લોકો સુધી પહોંચવામાં સ્ટ્રગલ કરવી પડતી હતી તેના બદલે હવે સોશિયલ મીડિયા દ્વારા મિનિટોમાં લોકો સુધી પહોંચી શકાય છે. આજના તણાવયુક્ત જીવનમાં લોકો પોતાને ખુશ રાખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. મોબાઇલ ખોલીને પોતાને મનગમતા વિષયોમાં ખોવાઇ જાય છે.