વસ્ત્રાલમાં મહેસુલ ભવન પાસેનું તળાવ નર્કાગારમાં ફેરવાઇ ગયું
- લીલ, જંગલી વનસ્પતિ, ગંદકી,મચ્છરોનું સામ્રાજ્ય
- પૂર્વનો મોડલ વિસ્તાર ગણાતું વસ્ત્રાલ મ્યુનિ.તંત્રની બેદરકારીને કારણે ગામડું બન્યું
અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર
વસ્ત્રાલ મહેસુલ ભવનની બાજુમાં આવેલો ખુલ્લો પ્લોટ તળાવમાં ફેરવાઇ ગયો છે. લીલી, જંગલી વનસ્પતિ, મચ્છર-માંખી, ગંદકી અને અસહ્ય દુર્ગંધ તેમજ કેમિકલ અને મેડિકલ વેસ્ટથી તળાવ ખદબદી રહ્યું છે. રિંગરોડને અડીને સર્વિસ રોડ પાસે આવેલ આ તળાવ માથાનો દુખાવો બન્યો છે. આજુબાજુમાં રહેતા લોકો, રાહદારીઓ, વાહનચાલકો પરેશાન છે.
વસ્ત્રાલને પૂર્વમાં મોડલ વિસ્તાર ગણવામાં આવે છે પરંતુ મ્યુનિ.તંત્રની બેદરકારીઓના કારણે આ વિસ્તાર હવે પછાતપણા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. રિંગ રોડ પાસે મેટ્રો બ્રિજને અડીને આવેલા તળાવનો વિકાસ કરી દીધો પરંતુ રિંગરોડ કે જ્યાં અનેક મોટા ખાડાઓ છે જે તળાવમાં ફેરવાઇ રહ્યા છે તેની ચિંતા કરાતી નથી.
વસ્ત્રાલમાં રતનપુર તળાવ પણ વિકાસ ઝંખી રહ્યું છે. વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનના ઓવરબ્રિજની કારણે અનેક રોડ અને વિસ્તારો ઢંકાઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં ફેરવાઇ ગયા છે. જેના કારણે ગટરો ઉભરાવી, પીવાનું પાણી પુરતા પ્રેશરથી ન પહોંચવું, વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવો સહિતની અનેકવિધ સમસ્યાઓ રહીશો વેઠી રહ્યા છે.
રિંગ રોડ અને સર્વિસ રોડ વચ્ચે ખોદકામ કરી દેવાયું છે. સ્ટ્રોમ વોટર લાઇન, ગટર લાઇન નાંખવા માટે . ખાડાઓ છેલ્લા દોઢેક વર્ષથી ખોદેલી હાલતમાં પડયા છે. જેા કારણે ટ્રાફિકજામ, અકસ્માત સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે. વસ્ત્રાલમાં સફાઇ સહિતની વિવિધ પાયાની સુવિધાઓ પ્રત્યે પુરતું ધ્યાન આપવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે.