બુટલેગરોએ એસએમસીના એએસઆઇને લાકડીઓ લોખંડની પાઈપથી મારી લૂંટી લીધા

તમે કોણ છો, અહીયા કેમ આવ્યા છો તેમ કહીને ઝઘડો કર્યો

રૃા. ૫૦૦૦ની લૂંટ કરી ઢોર માર મારી પોલીસનું એક્ટિવા લઇ જતા રહ્યા

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
બુટલેગરોએ એસએમસીના એએસઆઇને લાકડીઓ લોખંડની પાઈપથી મારી લૂંટી લીધા 1 - image

અમદાવાદ,બુધવાર

નરોડામાં બુટલેરોએ બેફામ બનીને બીજી વખત પોલીસ ઉપર લાકડીઓ તથા લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ તથા તેમના પોલીસ મિત્ર સાથે મંગળવારે રાત્રે નરોડા વિસ્તારમાંથી પસાર થતા હતા. આ સમયે આઠ બુટલેગરોએ તેઓને રોક્યા હતા અને તમે કોણ છો અહિયાં કેમ આવ્યા છો કહીને એ.એસ.આઇ ઉપર લાકડીઓ તથા લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. એટલું જ નહી તેમના મોબાઇલ, કારની ચાવી, રોકડ રૃા. ૫૦૦૦ની લૂંટ ચલાવીને એક્ટિવા પડાવીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે આઠ લોકો સામે ધાડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે મોબાઈલ, કારની ચાવી તથા રૃા. ૫૦૦૦ની લૂંટ કરી ઢોર માર મારી પોલીસનું એક્ટિવા લઇ જતા રહ્યા ઃ નરોડા પોલીસે આઠ સામે ગુનો નોંધી ચારની ધરપકડ

ગાંધીનગરમાં રહેતા અને  સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવતા એએસઆઈ મંગળવારે રાત્રીના સમયે તેઓ તેમની કાર લઈને શાહીબાગ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા તેમના મિત્રને મળવા માટે ભાટ ટોલટેક્ષ પાસે ગયા હતા. જ્યાં તેમણે તેમની કાર મુકીને તેમની સાથે એક્ટિવા લઈને નાના ચિલોડા સર્કલથી નરોડા જીઆઈડીસી થઈને નોબલનગર તરફ જઈ રહ્યા હતા. તે સમયે દિપક ઓઈલ એ.પી.ઈન્ડસ્ટ્રીયલની કંપનીની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં સાતથી આઠ માણસો લાકડી તથા પાઈપ લઈને ઉભા હતા તેઓએ  એએસઆઇ તથા તેમના મિત્રને ઉભા રાખીને તમે કોણ છો અને અંહીયા કેમ આવ્યા છો તેમ કહીને તકરાર કરી હતી.

ત્યારબાદ કંઇ વિચારે તે પહેલા એએસઆઇ ઉપર અચાનક જ  લાકડીઓ અને લોખંડની પાઈપોના ફટકા મારવા લાગ્યા હતા. બીજી બાજુ મિત્ર ત્યાંથી ભાગીને નાના ચિલોડા તરફ જતા રહ્યા હતા. ટોળાએ એએસઆઇના બે મોબાઈલફોન, કારની ચાવી અને રોકડા રૃા. ૫૦૦૦ની  લૂંટ કરી માર મારી રહ્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરી પોલીસની ગાડી લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસની ગાડી જોઈને ટોળુ ભાગવા લાગ્યું હતુ તે સમયે લોખંડની પાઈપ મારનાર માથાભારે  બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી તથા અનિલ ઉર્ફે કાલી સોલંકી, સંજય સોલંકી અને ઉમેશ વણઝારાને ઝડપી પાડયા હતા. જ્યારે જીગ્નેશ ઉર્ફે જીગો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત ધર્મરાજસિંહને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.  આ બનાવ અંગે નરોડા પોલીસે  આઠ શખ્સો સામે ધાડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં મુખ્ય સુત્રધ્ધાર જીગ્નેશ ઉર્ફે જીગો તથા તેના બીજા મળતીયાઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



Google NewsGoogle News