આજે કમલમમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે
- પાલિકા-પંચાયતોના પ્રમુખના નામ નક્કી કરાશે
- આજે અમદાવાદ જિલ્લા પંચાયત કબજે કરવા મંથન, 12મી મોદીના આગમનને લીધે બેઠક રદ
અમદાવાદ, તા. 10 માર્ચ, 2021, બુધવાર
અમદાવાદ સહિતના મહાનગરપાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરાયા બાદ ભાજપે હવે નગરપાલિકા-જિલ્લા,તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના પદાધિકારી નિમવા કવાયત હાથ ધરી છે.
આવતીકાલે કમલમમાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ મળી છે જેમાં નામોની પસંદગી કરવા ચર્ચા કરાશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે મેયર,ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંકો કરી હતી.
હવે અન્ય શહેરોમાં ય તબક્કાવાર મેયર.ડેપ્યુટી મેયરના નામો નામો જાહેર કરાશે. આવતીકાલે કમલમમાં ભાજપ પાર્લેામેન્ટ્રી બોર્ડની બેઠક મળી રહી છે. તા.11,13,15મીએ બેઠક મળશે. દાંડી યાત્રા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમ આવી રહ્યાં છે જેના કારણે તા.12મી માર્ચે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક રદ કરવામાં આવી છે.
આજે પાર્લામેન્ટ્રી બોર્ડના પ્રથમ દિવસે અમદાવાદ જિલ્લા પંચાયત કબજે કરવા રણનીતિ ઘડવામાં આવનાર છે. ભાજપની બહુમતી હોવા છતાંય કોંગ્રેસના સભ્યને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા પડે તેવો સંજોગો સર્જાયાં છે ત્યારે આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. આ ઉપરાંત અન્ય નગરપાલિકા-પંચાયતોમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓના નામની પસંદગી કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.