કેતન પારેખને સુપ્રીમ કોર્ટે યુ.કે. જવાની પરવાનગી આપી
મ્યુચ્યુઅલ ફંડ કૌભાંડના દોષિત સ્ટોકબ્રોકર
એક મહિના માટે પ્રવાસની મંજૂરી અપાઇ :૧૯૯૨માં ૪૭ કરોડના પબ્લિક ફંડની ઉચાપતનો આરોપ
અમદાવાદ,
સોમવાર
કેન્ફીના મ્યુચ્યુઅલ ફંડ કૌભાંડમાં દોષિત ઠરેલા સ્ટોકબ્રોકર
કેતન પારેખને સુપ્રીમ કોર્ટે એક મહિના માટે યુ.કે. જવાની પરવાનગી આપી છે. પુત્રીની
તબીબી સારવાર માટે તેણે યુ.કે. જવાની પરવાનગી માગી હતી. આ છૂટછાટને સમયગાળો
૨૭-૧-૨૦૨૨થી લઇ ફેબુ્રઆરી અંત સુધીનો છે.
વર્ષ ૧૯૯૨ના ચકચારી
કેન્ફીના મ્યુચ્યુઅલ ફંડ કૌભાંડમાં દોષિત ઠરેલા સ્ટોકબ્રોકર કેતન પારેખને એક મહિના
માટે યુ.કે. જવાની પરવાનગી સુપ્રીમ કોર્ટે આપી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને
જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે નોંધ્યું છે કે અરજદારને અગાઉ છ વાર વિદેશ જવાની
પરવાનગી આપવામાં આવી છે અને તેણે શરતો પ્રમાણે પ્રવાસ કર્યો છે. આ વખતે તેણે
દીકરીની સારવાર માટે યુ.કે. જવાની પરવાનગી માગી હોવાથી તેને વિદેશ જવાની પરવાનગી
આપવી યોગ્ય છે. વર્ષ ૧૯૯૨માં કેનેરા બેન્કની સબસિડરી કંપનીઓમાંથી ૪૭ કરોડના
ભંડોળની ઉચાપત કરવાના કેસમાં બોમ્બે હાઇકોર્ટે કેતન પારેખને દોષિત ઠેરવી એક વર્ષની
જેલની સજા કરી હતી. ઉલ્લેખનીય છે કે હર્ષદ મહેતાના ૧૯૯૨ના ગ્રોમોર ઇન્વેસ્ટમેન્ટ
કૌભાંડમાં પણ કેતન પારેખનું નામ હતું પરંતુ આ કેસમાં તેને સજા નહોતી નઇ.