શતાબ્દી એક્સપ્રેસમાં 'વિસ્ટાડોમ' કોચનો પ્રયોગ સફળ, કોચ હાઉસફુલ
- તા.11 થી 19 એપ્રિલ સુધી 329 મુસાફરોએ મુસાફરી માણી
- ગાંધીનગરથી મુંબઇ જતી ટ્રેનની મુસાફરીનો રોમાંચ વધ્યો, પાંચ દિવસ તો એકપણ સીટ ખાલી ન રહી!
અમદાવાદ,તા.20 એપ્રિલ 2022, બુધવાર
મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં ગત ૧૧ એપ્રિલથી એક વધારાનો 'વિસ્ટાડોમ' કોચ જોડાયો છે. મુસાફરી યાદગાર બની રહે , મુસાફર રૂટનો પ્રાકૃતિક નજારો ટ્રેનમાં બેઠાબેઠા જોઇ શકાય તેવા આ કોચમાં બેસવા માટે મુસાફરોની પડાપડી થઇ રહી છે. ૪૦ સીટનો આ કોચ હાઉસફુલ જઇ રહ્યો છે. વધારે ભાડુ ચુકવવાનું થતું હોવા છતાંય મુસાફરો હોંશેહોંશે આ કોચની રોમાંચક મુસાફરીનો આનંદ લેવા એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ આ બીજી ટ્રેનમાં શરૂ કરાલેયો 'વિસ્ટાડોમ 'કોચ અમદાવાદીઓને ખુબ પસંદ આવી રહ્યો છે. ગાંધીનગરથી મુંબઇની મુસાફરી કરાવતા આ કોચમાં તમામ ૪૦ સીટો હાલમાં ભરાઇ રહી છે. એકપણ સીટ ખાલી રહેતી નથી. ડાયનેમિક ફેરવાળા આ કોચમાં અંદાજે ૨,૫૦૦ રૂપિયા જેટલું ભાડુ મુસાફરો ચુકવીને પણ તેમા બેસવાનું પસંદ કરી રહ્યા છે.
આ અંગે અમદાવાદ વિભાગ સાથે જોડાયેલા રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ એક મહિનાના પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલો ' વિસ્ટાડોમ કોચ 'નો પ્રયોગ સફળ જતો લાગી રહ્યો છે. મુસાફરોએ ટ્રેનની આ નવા પ્રકારની મુસાફરીને આવકારી છે.
ટ્રેનના કોચની બંધીયાર મુસાફરી નહીં પરંતુ ખુલ્લા આકાશમાં મુસાફરી કરતા હોય અને આખી પ્રકૃતિ પણ સાથે સાથે મુસાફરી કરી રહી હોય તેવો અહેસાસ મુસાફરોને આ કોચની મુસાફરી દરમિયાન થઇ રહ્યો છે. જેને લીધે આ કોચ હાઉસફુલ જઇ રહ્યો છે.
અમદાવાદ-કેવડિયા કોલોનીની ટ્રેનમાં આ પ્રકારનો કોચ લાગ્યો છે. તેની સફળતાને જોતા અમદાવાદ વિભાગમાં આ બીજી ટ્રેનમાં' વિસ્ટાડોમ કોચ 'જોડવામાં આવ્યો છે. ટ્રેનની મુસાફરીને એક અનોખો રંગરૂપ આપવાનો પ્રયાસ છે.
કઇ તારીખે વિસ્ટાડોમ કોચની કેટલી સીટો ભરાઇ ?
તારીખ |
કુલ સીટ |
ભરાઇ |
૧૧ એપ્રિલ |
૪૦ |
૨૪ |
૧૨ એપ્રિલ |
૪૦ |
૩૨ |
૧૩ એપ્રિલ |
૪૦ |
૪૦ |
૧૪ એપ્રિલ |
૪૦ |
૪૦ |
૧૫ એપ્રિલ |
૪૦ |
૩૯ |
૧૬ એપ્રિલ |
૪૦ |
૪૦ |
૧૭ એપ્રિલ |
૪૦ |
૪૦ |
૧૮ એપ્રિલ |
૪૦ |
૩૪ |
૧૯ એપ્રિલ |
૪૦ |
૩૪ |
કુલ |
૩૬૦ |
૩૨૯ |