રાજયના મુખ્યમંત્રીને રજુઆત અમદાવાદ પશ્ચિમની સમાંતર પૂર્વ અમદાવાદમાં વિકાસકામો હાથ ધરવા માંગ
પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીના નેટવર્ક સ્થાપિત કરવામાં આવે
અમદાવાદ,ગુરુવાર,4 નવેમ્બર,2021
અમદાવાદ પશ્ચિમમાં જે ગતિથી વિકાસકામો મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી હાથ ધરવામાં આવે છે એ પ્રમાણે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં પણ
વિકાસકામો હાથ ધરવામાં આવે એ માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર
દ્વારા લેખિત રજુઆત કરી માંગણી કરવામાં આવી છે.સાથે જ ડ્રેનેજ,પાણી સહિતના
નેટવર્ક સ્થાપિત કરવા પણ રજુઆત કરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ,દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રીને લેખિત
રજુઆત કરી છે.જેમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ શાળાઓમાં કોરોના
મહામારી બાદ જયારે મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ છોડી વિદ્યાર્થીઓએ આ શાળાઓમાં
પ્રવેશ મેળવ્યો છે આ સંજોગોમાં ઘણાં સમયથી બંધ શાળાઓ ફરી શરુ કરવા માંગણી કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એલ.જી અને શારદાબેન
હોસ્પિટલોમાં ઘણા લાંબા સમયથી કાયમી સુપ્રિટેન્ડન્ટની જગ્યા ભરવામાં આવતી નથી.આ
જગ્યાઓ ભરવા ઉપરાંત દરીયાપુર અર્બન હેલ્થ સેન્ટરને નવુ બનાવવા રજુઆત કરવામાં આવી
છે.કોટ વિસ્તારમાં જગ્યાના અભાવે કોમ્યુનિટી હોલ બનાવી શકાતા નથી.જે માટે
રીવરફ્રન્ટના પૂર્વ ભાગમાં જગ્યા ફાળવી કોમ્યુનિટી હોલ બનાવવા પણ માંગણી કરી છે.
પીવાના પાણીની તંગી અને પોલ્યુશન સહિતના પ્રશ્નો ઝડપથી ઉકેલવામાં આવે તેમજ રામોલ,હાથીજણ,લાંભા સહિતના
વિસ્તારોમાં પાણી તેમજ ડ્રેનેજના નેટવર્ક સ્થાપિત કરવા માંગણી કરાઈ છે.પૂર્વ અને
દક્ષિણ ઝોનમાં ૧૦ હજારથી વધુ ખાળકૂવાઓ સાફ કરવા મ્યુનિ.તરફથી વર્ષે એક કરોડથી
વધુનો ખર્ચ કરવામાં આવે છે એને બદલે ગટર લાઈન સ્થાપિત કરવા માંગણી કરાઈ છે.