નારોલ સ્થિત આસ્મી કંપનીમાંથી ૧૧ હજાર કિલો યુરિયાનો જથ્થો જપ્ત કરાયો
ખેતીવાડીના સબસીડી ધરાવતા યુરિયાનો ગેરકાયદેસર કારોબાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને ૬.૩૭ લાખની કિંમતનું યુરિયા સહિત કુલ ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાત લોકોને ઝડપી લીધા
અમદાવાદ,
ગુરૂવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બુધવારે મોડી રાત્રે નારોલ ઇસનપુર રોડ પર આવેલી આસ્મી સ્પેશીયાલીટીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં દરોડો પાડીને ખેતીવાડી માટે ઉપયોગમાં લેવામાં આવતા સબસીડી વાળા યુરિયાનો ૧૧,૨૫૦ કિલોનો જથ્થો જપ્ત કરીને કંપનીના મેનેજર અને યુરિયાનો જથ્થો લાવનાર સહિત સાત લોકોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૬.૩૭ લાખ રૂપિયાની કિંમતના યુરિયા અને ટ્રક સહિત કુલ રૂપિયા ૨૭ લાખનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુરિયાનો આ જથ્થો છેલ્લાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે અનેક કંપનીઓમાં સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સ્ટેટ મોનીટરીગ સેલના ડીવાયેસપી કે ટી કામરિયાને બાતમી મળી હતી કે નારોલ ઇસનપુર હાઇવે પર અર્બુદા ઇન્ડસ્ટ્રીયસ એસ્ટેટમાં નજીક આવેલી આસ્મી સ્પેશીયાલીટીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપની ખાતે હર્ષ ગોયેલ નામનો વ્યક્તિ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવામાં આવતા સબસીડી ધરાવતા યુરિયાને ગેરકાયદેસર રીતે મેળવીને તેને પર કોમર્શીયલનો માર્કો લગાવીને સપ્લાય કરવા લાવ્યો છે. જેે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં સાત લોકો મળી આવ્યા હતા. જેમાં કપંનીના મેનેજર સેંધાભાઇ દેસાઇ, કુલદીપસિંહ ગોહિલ , મજુરો અને ટ્રક ડ્રાઇવર મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી રૂપિયા ૬.૩૭ લાખની કિંમતની ૨૫૦ થેલી ભરેલો ૧૧ હજાર કિલો ઉપરાંતનો યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો. જે જપ્ત કરીને નારોલ પોલીસ મથકે મોકલી આપ્યો હતો. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હર્ષ ગોયેલ નામનો વ્યક્તિ અનેક કંપનીઓમાં યુરિયાનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવીને કોમર્શીયલ નામે સપ્લાય કરી ચુક્યો છે. જે અંગેની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.