હિમાચલ પ્રદેશના ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓ ગુજરાતમાંથી ઝડપાયા
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમની કામગીરી
તમામ આરોપીઓ રાજકોટ, પેટલાદ અને ધ્રાંગધ્રામાં વર્ષોથી રહેતા હતા ઃ અન્ય વોન્ટેડ આરોપીઓની તપાસ શરૂ
અમદાવાદ,શુક્રવાર
હિમાચલ પ્રદેશના વિવિધ શહેરોમાં નોંધાયેલા ગુનાઓમાં છેલ્લાં ૨૦ થી ૨૫ વર્ષથી વોન્ટેડ આરોપીઓને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ, પેટલાદ અને ધાંગધ્રામાંથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્વ હિમાચલ પ્રદેશમાં ગુના નોંધાયા હતા.દેશમાં વિવિધ રાજ્યો વચ્ચે સંકલન કરીને ફરાર આરોપીઓને ઝડપી લેવાના સંકલનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કરવામાં આવે છે. જેમાં વોન્ટેડ આરોપીઓની વિગતો વિવિધ રાજ્યો દ્વારા એકબીજાને આપવામાં આવે છે. જેના આધારે જે તે રાજ્યની સ્થાનિક એજન્સી કામગીરી કરે છે. ગુજરાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ પ્રકારના કેસની તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ૨૦ થી ૨૫ વર્ષ પહેલા નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રાજકોટના રૈયા રોડ સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ આવેલા રામેશ્વર પાર્કમાં રહેતા બ્રીજેશ રાજ્યગુરૂને ઝડપી લીધો હતો. બ્રીજેશ વિરૂદ્વ વર્ષ ૨૦૦૧માં સીમલામાં ગુનો નોંધાયો હતો. જ્યારે આણંદના પેટલાદમાં રહેતા અતાઉલ્લાખાન પઠાણને સીમલામાં વર્ષ ૨૦૦૩માં નોંધાયેલા ગુનામાં ધરપકડ કરવામમાં આવી હતી. આ ઉપરાંત, નટવર ચોરસિયા નામના વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાથી ઝડપી લેવાયો હતો. નટવર ચોરસિયા મંડી પોલીસ સ્ટેશનમાં ૨૪ વર્ષ પહેલા નોંધાયેલા એનડીપીએસના કેસમાં વોન્ટેડ હતો. આ તમામ આરોપીઓને હિમાચલ પ્રદેશ પોલીસના હવાલે કરાયા હતા.