વિનોદ સિંધીનું ઉત્તર ગુજરાતનું નેટવર્ક સંભાળતો સુનિલ દરજી ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલને મહત્વની સફળતા મળી
વિદેશી દારૂનું મોટુ નેટવર્ક ધરાવતા બુટલેગર સુનિલ દરજી પરની બાતમી આપવા પર ઇનામ જાહેર કરાયું હતું
અમદાવાદ
અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વિદેશી દારૂનું સૌથી મોટું નેટવર્ક ધરાવતા લીસ્ટેડ બુટલેગર સુનિલ દરજીને ઉદેપુર પાસેથી ઝડપી લેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલને મહત્વની સફળતા મળી છે. ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધીનું ઉત્તર ગુજરાતનુ નેટવર્ક સંભાળતો સુનિલ દરજી ૨૦ થી ગુનામાં સંડોવાયેલો છે અને તેની બાતમી આપવા પર રૂપિયા ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું.ગુજરાતમાં પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ બુટલેગરોને ઝડપી લેવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેની જોડાયેલી ટીમના અધિકારીઓને બાતમી મળી હતી કે અમદાવાદ સહિતના ૨૦થી વધુ ગુનામાં સંડોવાયેલો લીસ્ટેડ બુટલેગર સુનિલ ભંવરલાલ દરજી ઉદેપુર પાસે છે. જેના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. સુનિલ દરજી ગુજરાતમાં દારૂ સપ્લાય કરતા મોટા બુટલગરો પૈકીનો એક છે. જે સમગ્ર ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં દારૂ સપ્લાય કરતો હતો. તે ૨૦થી વધુ ગુનામાં વોન્ટેડ હતો અને તેને પકડવા કે બાતમી આપવાના બદલામાં રૂપિયા ૨૫ હજારનું ઇનામ જાહેર કરાયું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ સુનિલ દરજી ગુજરાતના સૌથી મોટા બુટલેગર
વિનોદ સિંધી માટે પણ કામ કરતો હતો. વિનોદ સિંધીના ઉત્તર ગુજરાતના દારૂના નેટવર્કમાં
તે દારૂ સપ્લાય કરતો હતો અને વિનોદ સિંધી વતી હિસાબ કિતાબ પણ રાખતો હતો. તેની પુછપરછમાં
ગુજરાતના અનેક સ્થાનિક બુટલેગરોની વિગતો પણ બહાર આવી શકે તેમ છે.