આજે તહેવારોની હેલી : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : ગુડી પડવો, ચેટી ચંડની પણ ઉજવણી

- શક સંવત 1941નો પ્રારંભ થશે

- ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરોમાં વિશિષ્ટ આયોજન ભવ્ય શોભાયાત્રા સાથે ચેટી ચંડની ઉજવણી કરાશે

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
આજે તહેવારોની હેલી : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : ગુડી પડવો, ચેટી ચંડની પણ ઉજવણી 1 - image


અમદાવાદ, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

આજથી ચૈત્ર મહિનાની શરૃઆત સાથે ચૈત્રિ નવરાત્રિનો પણ પ્રારંભ થશે. આ ઉપરાંત આવતીકાલે મરાઠીઓના નવા વર્ષ  ગૂડી પડવા અને સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે. આ દિવસથી યુગાબ્દ ૫૧૨૧નો અને શકસંવત ૧૯૪૧નો પ્રારંભ થશે. આમ, આવતીકાલે તહેવારોની હેલી સર્જાશે. 

હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી, ફળદાયી, પવિત્ર અવસર છે.

શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આમ, સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાળુઓ શક્તિની આરાધના કરવા ઇચ્છતા હોય તેમણે નવરાત્રિના ઉપવાસ રાખીને માતાજીની આરાધના કરવી જોઇએ. 

ચૈત્ર નવરાત્રિ નિમિત્તે માઇ મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૩ એપ્રિલે મંદિરોમાં આઠમનો હવન યોજાશે. ચૈત્રિ નવરાત્રિમાં દેવી દર્શન, હોમ હવન, માનસિક પૂજાઅર્ચનાનું ખૂબ જ મહત્વ છે. આ નવરાત્રિમાં શ્રી દેવિસુક્તમ્ , શક્રાદય સ્તુતિ, દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુમાં આવતી હોવાથી તેને વાસન્તિ નરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના પાવન દિને બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનો પ્રારંભ કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણના ગ્રંથોમાં પણ જોવા મળે છે. એક પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું અને આ જ દિને યુધિષ્ઠિરનું રાજ્યારોહણ કરવામાં આવ્યું હતું. ચૈત્ર માસના પ્રારંભે નવ ઉત્સાહનો ઉત્સવ આવે છે. ગુડી પડવો પર્વ નવ સંવત્સરીનું પર્વ ગણાયું છે.

ચૈત્ર સુદ એકમ ગુડી પડવા તરીકે ઉજવાય છે. આ પર્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશિષ્ટપણે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરે-ઘરે બારણામાં કે ઘરની બહાર ગૂડી (ધજાની લાકડી) રોપીને ઉભી કરાય છે, તેને સાડી પહેરાવાય છે અને ફૂલોના હાર-સાકરના હારથી શણગારાય છ.ે ઉપરના ભાગમાં ઉંધો કળશ કે ચાંદીનો લોટો સ્થાપવામાં આવે છે. આ પછી ગૂડીની ષોડશોપચારથી પૂજ કરવામાં આવે છે. 

આવતીકાલે ચેટી ચંડ નિમિત્તે અમદાવાદના નરોડા, સરદાર નગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.

ચૈત્રી નવરાત્રિમાં અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

૫૧ શક્તિપીઠ પૈકીના એક ગણાતા  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબા માતાના દર્શનાર્થે માઇભક્તોનો ધસારો જોવા મળશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજીમાં માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટ સ્થાપન : ચૈત્ર સુદ એકમ-શનિવારે સવારે ૮:૧૫. આરતી સવારે : ૭ થી ૭:૩૦. દર્શન સવારે : ૮ થી ૧૧:૩૦. રાજભોગ : બપોરે ૧૨. દર્શન બપોરે : ૧૨:૩૦ થી ૪:૩૦. આરતી સાંજે : ૭ થી ૭:૩૦. દર્શન સાંજે : ૭:૩૦ થી ૯. ૧૩ એપ્રિલે ચૈત્ર સુદ આઠમ છે ત્યારે આરતીનો સમય સવારે ૬. ૧૯ એપ્રિલે ચૈત્ર સુદ પૂનમ છે ત્યારે આરતીનો સમય સવારે ૬.  મુખ્યમંત્રી વિજય  રૃપાણીએ શનિવારે ઉજવનારા ચેટીચંડ અને ગૂડી પડવાના પાવન પર્વે સિંધી-મરાઠી સમુદાયને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, 'ચેટીચંડ અને ગૂડી પડવાના મંગલ પર્વોનો આ સુભગ સમન્વય સામાજિક સમરસતા, આપસી પ્રેમ, શાંતિ-ભાઇચારા અને સદ્ભાવનાનો ઉદ્દિપક બનશે.' 


Google NewsGoogle News