વટામણ પાસેની હોટલમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહી
છેલ્લાં એક મહિનાથી હોટલનો સંચાલક ભારે વાહનમાંથી ડીઝલ ખરીદીે વેચાણ કરતો હતો
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ ગ્રામ્ય એસઓજીના સ્ટાફે બુધવારે રાતના સમયે કોઠ નજીક આવેલી એક હોટલમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ડીઝલ વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં હોટલના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. જે ટ્રક જેવા ભારે વાહનોના ડ્રાઇવર પાસેથી ડીઝલ ખરીદીને વેચાણ કરતો હતો.અમદાવાદ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે જી ચૌધરી અને તેમનો સ્ટાફ બુધવારે કોઠ પાસે પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે વટામણ કોઠ હાઇવે પર આવેલી યુપી, બિહાર ઝારખંડ હોટલનો સંચાલક ત્યાં આવતા ટ્રક અને અન્ય ભારે વાહનોના ડ્રાઇવરો સાથે મળીને ડીઝલ ખરીદી કરીને તેનો જથ્થો હોટલની પાછળની ઓરડીમાં એકઠો કરે છે અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરે છે. જે બાતમીને આધારે દરોડો પાડીને તપાસ કરતા મોટા પ્રમાણમાં ડીઝલ મળી આવ્યું હતું. જે ટાંકી અને કેરબામાં ભરવામાં આવતું હતું. આ અંગે રણજીત શાહ નામના હોટલ સંચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.