બનાવટી સ્પોન્સર લેટર- બોગસ સ્ટેમ્પ લગાવવાનું કૌભાંડ ચલાવનાર ઝડપાયો

પાકિસ્તાનમાં રહેતા પરિવાર માટે બનાવટી સ્પોન્સર લેટર તૈયાર કરાયો

એસઓજી ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપી પાસેથી કૃષિ વિભાગનો બનાવટી સ્ટેમ્પ અને દસ્તાવેજ ઝડપાયા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
બનાવટી સ્પોન્સર લેટર- બોગસ સ્ટેમ્પ લગાવવાનું કૌભાંડ ચલાવનાર ઝડપાયો 1 - image

અમદાવાદ,મંગળવાર

સરદારનગરમાં આવેલી ઝેરોક્ષ-પ્રિન્ટની દુકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા દરોડો પાડીને વેપારી પાસેથી કૃષિભવનના આસીટન્ટ ડાયરેક્ટરના નામનો બનાવટી સ્ટેન્પ જપ્ત કરાયો હતો.  ઝેરોક્ષ શોપના માલિકે સરદારનગરમાં રહેતા એક વ્યક્તિના પાકિસ્તાનમાં રહેતા દીકરી અને જમાઇના  તેમજ બાળકોને સ્પોન્સર કરીને ભારત બોલાવવા માટે બોગસ સ્પોન્સર લેટર તૈયાર કરી આપ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ એસઓજીના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગર હાંસોલ એરપોર્ટ રોડ પર આવેલા પ્રિયા કોમ્પ્લેસમાં આવેલી યુરેકા  કોમ્પ્યુટર નામની દુકાનના માલિક બનાવટી સ્ટેમ્પ લગાવીને સ્પાોન્સર લેટર તૈયાર કરે છે. આ સ્પોન્સર લેટરથી પાકિસ્તાનથી સિંઘી પરિવારો ભારત આવે છે. આ માહિતીને આધારે પોલીસે  દરોડો પાડયો હતો. જેમાં ગાંધીનગર કૃષિભવનન આસીટન્ટ ડાયરેક્ટરના નામનો સ્ટેમ્પ અને અન્ય કાગળો મળી આવ્યા હતા. જે અંગે કોમ્પ્યુટર શોપના માલિક ટેકચંદ લાઘાણી (રહે. સુંદર નિવાસ, સોના ફ્લેટ, સરદારનગર)ની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે  તેણે સરદારનગર ભીલવાસમાં રહેતા ગોરધનભાઇ સોનીની પાકિસ્તાનના સિંધવાસમાં રહેતી તેમની દીકરી કૃતિ અને જમાઇ જય તેમજ બંનેના સંતાનોને ભારત લાવવા માટે સ્પોન્સર લેટર તૈયાર કરાવ્યો હતો.  આરોપીએ અન્ય  બનાવટી સ્પોન્સર લેટર તૈયાર કર્યાની આશંકાને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News