અમરાઇવાડીમાંથી એઓજીએ નશા માટેની ૩૦ હજાર ટેબલેટ જપ્ત કરી
મેડીકલ સ્ટોરમાં પોલીસનો દરોડો
અસારવા સ્થિત અભિષેક બિઝનેસ હબમાંથી બિલ વિના ઉંધ માટેની ટેબલેટ બિલ વિના ખરીદવામાં આવી હતી
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદમાં એમ ડી ડ્રગ્સની સાથે પ્રતિબંધિત દવાનું સેવન પણ ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. એસઓજીએ ગુરૂવારે સાંજના સમયે અમરાઇવાડીમાં આવેલા એક મેડીકલ સ્ટોરમાં દરોડો પાડીને નશા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિબંધિત ડ્રગ્સની ૩૦ હજાર જેટલી ટેબલેટ જપ્ત કરીને ભાઇ બહેનની ધરપકડ કરી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એન આર ગામીતના સ્ટાફને ગુરૂવારે બાતમી મળી હતી કે અમરાઇવાડીમાં આવેલી જોગીન્દરની ચાલીમાં આવેલા ધનલક્ષ્મી મેડીકલ સ્ટોરમાં પ્રતિબંધિત ડ્રગ્સની ટેબલેટનું મોટાપાયે વેચાણ કરવામાં આવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને મેડીકલ સ્ટોરનું સંચાલન કરતા સુરજભાણ રાજપુત અને તેની બહેન રૂક્ષમણી રાજપુતને ઝડપીને તપાસ કરીને ઉંધ માટેના પ્રતિબંધિત ડ્રગ્સની ૩૦ હજાર જેટલી ટેબલેટ મળી આવી હતી. જે તબીબના પ્રિસ્ક્રીપશન વિના જ વધારે કિંમત લઇને વેચાણ કરવામાં આવતું હતું. પોલીસને પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને જણા અસારવામાં આવેલા અભિષેક બિઝનેસ હબમાં આવેલી જીનલ ફાર્મા એજન્સીમાંથી ટેબલેટ લાવીને વેચાણ કરતા હતા. આ ટેબલેટને ઠંડાપીણા સાથે મિક્સને પીને નશો કરવામાં આવતો હતો.