એક્સપ્રેસ હાઇવે પર રૂપિયા ૪૧ લાખના દારૂ ભરેલું ગેસ ટેન્કર ઝડપાયું

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફની કામગીરી

ટેન્કરમાં દારૂનો જથ્થો રોહતકથી રાજકોટ લઇ જવાતો હતોઃ ડ્રાઇવર અગાઉ પણ રાજકોટમાં પણ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News

 એક્સપ્રેસ હાઇવે પર રૂપિયા ૪૧ લાખના દારૂ ભરેલું ગેસ ટેન્કર ઝડપાયું 1 - imageઅમદાવાદ,શનિવાર

બે દિવસ પહેલા બાવળા- રાજકોટ હાઇવે પર  એસિડના ટેન્કરમાંથી રૂપિયા ૨૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જે બાદ શુક્રવારે રાતના સમયે  સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ વડોદરા એક્સપ્રેસ હાઇવેથી રાજકોટ તરફ એસ પી રીંગ રોડ પરથી ગેસના ટેન્કરમાં છુપાવેલો રૂપિયા ૪૧ લાખની કિંમતની વિદેશી દારૂની ૧૧૨૬૮ જેટલી બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો હરિયાણાના રોહતકથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યો હતો.  પોલીસે વિદેશી દારૂ સહિત કુલ ૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.


સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે   એક સફેદ રંગનું ગેસનું ટેન્કર  વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી રાજકોટ તરફ જઇ રહ્યું છે. જેના આધારે શુક્રવારે રાતના સમયે  એક્સપ્રેસ હાઇવેના રાજકોટ તરફના એક્ઝીટ પાસે ટેન્કરને રોકીને તપાસ કરતા તેમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

એક્સપ્રેસ હાઇવે પર રૂપિયા ૪૧ લાખના દારૂ ભરેલું ગેસ ટેન્કર ઝડપાયું 2 - image
આ અંગે ડ્રાઇવર ભુપત મેઘવાલ ( રહે.સિણદરી ગામ, જી. બાલોતરા, રાજસ્થાન)ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે હરિયાણાના રોહતકથી રાજકોટ તરફ દારૂનો જથ્થો લઇને જઇ રહ્યો હતો. તે પછી પોલીસે તપાસ કરતા ગેસના ટેન્કરમાં છુપાવાયેલી વિદેશી દારૂની કુલ ૧૧૨૬૮ જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૪૧ લાખ રૂપિયા હતી.પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું કે ભુપત મેઘવાલ અમદાવાદ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે સમયે તેને દેવુ થતા નાણાં જરૂર હતી.  જેથી તેના કમલેશે  હરિયાણામાં રહેતા મુકેશ નામના બુટલેગર સાથે સંપર્ક કર્યો હતો અને તેણે ૧૫ દિવસ પહેલા રોહતક બોલાવીે એક ટેન્કરમાં દારૂ ભરીને રાજકોટ મોકલ્યો હતો. જ્યાં તેણે દારૂની ડીલેવરી આપી હતી. તે પછી ફરીથી ૪ ડિસેમ્બરે રોહતકથી દારૂનો જથ્થો લઇને નીકળ્યો હતો અને તેને દારૂનો જથ્થો ભરેલું ટેન્કર રાજકોટની એક હોટલ પાસે પહોંચતુ કરીને દારૂની ડીલેવરી આપવાની હતી. એક ફેરાના તેને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવતા હતા. જે અંગે વિવેકાનંદનગર પોલીસે ગુનો નોેંધીને વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પીસીબીના સ્ટાફે બાવળા-રાજકોટ હાઇવે પરથી એસિડના ટેન્કરમાંથી રૂપિયા ૨૫ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો.  જે દારૂનો જથ્થો પણ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યું હતું.


Google NewsGoogle News