SMCની છારોડી હાઇવે, સનાથલ ચાર રસ્તા પાસે દરોડાની કાર્યવાહી
દારૂ અમદાવાદ ગ્રામ્ય તરફ લઇ જવામાં આવતો હતો
દારૂની ૩ હજાર બોટલો સાથે કુલ ૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ દારૂનો જથ્થો રાજસ્થાનથી લવાયો હતો
અમદાવાદ,શુક્રવાર
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શુક્રવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ, સનાથલ સર્કલ પાસે દરોડો પાડીને ૩ હજાર બોટલ વિદેશી દારૂ સહિત ૧૮ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો એસ જી હાઇવે થઇને અમદાવાદ ગ્રામ્યની હદમાં લઇ જવામાં આવી રહ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે સનાથલથી સરખેજ ટોલનાકા પર એક કારમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા કારના બોનેટ અને સીટ નીચે છુપાવવામાં આવેલી દારૂની ૯૫૬ બોટલો મળી આવી હતી. પોલીસે આ અંગે કારચાલક સરાવર જાટ અને સુરેશ જાટની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ઉદેપુરથી લઇને આવ્યા હતા અને બોપલ તરફ દારૂની ડીલેવરી આપવાની હતી. અન્ય બનાવમાં એસ જી હાઇવે ગુરૂકુળ છારોડી પાસે દારૂ લઇને કાર જતી હોવાની બાતમીને આધારે દરોડો પાડયો હતો. જો કે પોલીસને જોઇને ચાર શખ્સો નાસી ગયા હતા. પોલીસને સ્થળ પરથી બે હજાર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. અન્ય બનાવમાં નારણપુરા રેલવે ક્રોસીગ પાસેથી એક યુવક પાસેથી ૬૬ બોટલ વિદેશી દારૂ પણ જપ્ત કરાયો હતો.