ગોમતીપુર-શહેરકોટડામાં જીસ્ભના દરોડાઃ વિદેશી-દેશી દારૂનો જથ્થો જપ્ત
દેશી દારૂનો વેપલો કરતા૨૪ સ્થાનિક બુટલેગરો ઝડપાયા
બાપુનગરમાં વિદેશી દારૂના ક્વાટરના જથ્થા સાથે બે યુવકો ઝડપાાયા દેશી દારૂનું સ્થાનિક સ્તરે મોટાપાયે ગેરકાયદેસર વેચાણ થતુ હતું
અમદાવાદ
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ સરસપુર અને આસપાસના વિસ્તારમાં તેમજ બાપુનગરમાં દરોડા પાડીને દેશી દારૂનો વેપાર કરતા ૨૪ લોકો અને વિદેશી દારૂની સપ્લાય કરી રહેલા બે યુવકોને ૬૭ બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા. જે અંગે શહેરકોટડા અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં સોંપો પડી ગયો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે બાપુનગર મ્યુનિસિપલ એસ્ટેટમાં બે યુવકો સ્થાનિક સ્તરે દારૂ વેચાણ કરે છે અને દારૂનો જથ્થો ત્યાં જ છુપાવે છે. જે બાતમીને આધારે બુધવારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ભાવેશ ઉર્ફે રાજુ ચૌહાણ (રહે. સોનેરિયાની ચાલી, બાપુનગર) અને હાર્દિક ઠાકોર (રહે.ગુજરાત હાઉસીેગ બોર્ડ)ને ઝડપીને તેમની પાસેથી વિદેશી દારૂના ૬૭ બોટલ ક્વાટર મળી આવ્યા હતા. જે બંને જણા સ્થાનિક બુટલેગરો પાસેથી ખરીદીને સ્થાનિક બજારમાં બમણી કિમતે દારૂનું વેચાણ કરતા હતા.બીજી તરફ શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસપુર અને આસપાસમાં મોટાપાયે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડીને ૨૪ લોકોની ધરપકડ કરી હતી. તેમજ મોટાપાયે દેશી દારૂ પણ જપ્ત કર્યો હતો. તો અન્ય બનાવમાં ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે નારોલમાં આવેલા સોહાંગહિલ ફ્લેટમાં રહેતા શૈતાનસિંહ રાજપુત નામનો વ્યક્તિ રાજસ્થાનથી દારૃ મંગાવીને સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરે છે અને દારૃ ફ્લેટના પાર્કિગમાં તેની કારમાં છુપાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને ૨૭ બોટલ દારૃ અને ટ્રેટાપેકમાં પણ દારૃ જપ્ત કર્યો હતો. જે અંગે શૈતાનસિંહની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.