દરિયાપુરમાં વહેલી સવારે દારૂના કંટીગ સમયે એસએમસીના દરોડાથી નાસભાગ
લિસ્ટેડ બુટલેગર રાજ પ્રજાપતિએ દારૂ મંગાવ્યો હતો
દોઢ મહિના પહેલા બુટલેગરે પાસામાંથી છુટીને બહાર આવીને ફરીથી દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું બહાર આવ્યું
અમદાવાદ,સોમવાર
શહેરના દરિયાપુરમાં રહેતા કુખ્યાત બુટલેગરે મંગાવેલા વિદેશી દારૂના કંટીગ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને દારૂની ૧૧૫૦ જેટલી બોટલો જપ્ત કરી હતી. બુટલેગર રાજ પ્રજાપતિ વિરૂદ્ધ ગુનો નોંધીને તેને પાસા કરી હતી. જો કે દોઢ મહિના પહેલા જેલમાંથી છુટીને તેણે ફરીથી દારૂનો ધંધો શરૂ કર્યો હતો. આ અંગે પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ કે ડી જાદવને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુર નાની હવેલીની પોળમાં રહેતા લીસ્ટેડ બુટલેગર રાજ ઉર્ફે રાજા પ્રજાપતિએ સોમવારે વહેલી સવારે મોટાપ્રમાણમાં વિદેશી દારૂ મંગાવ્યો છે. જેના માણસોની મદદથી તે દારૂનું કંટીગ કરીને અલગ અલગ સ્થળો પર રવાના કરવાનો છે. જેના આધારે પોલીસે વહેલી સવારે દરોડો પાડતા દારૂ લેવા આવેલા ત્રણ લોકો પોતાના ટુ વ્હીલર મુકીને નાસી ગયા હતા. પોલીસે તપાસ કરતા કુલ ૧૧૫૧ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે દારૂ અને ત્રણ ટુ વ્હીલર જપ્ત કરીને રાજ પ્રજાપતિના ઘરે તપાસ કરી ત્યારે તે મળી આવ્યો નહોતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજ પ્રજાપતિ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાંચ, પીસીબી અને સ્થાનિક પોલીસે કુલ આઠ જેટલા ગુના નોંધ્યા હતા. પીસીબીએ તેના વિરૂદ્ધ ગુનો નોંધ્યા બાદ પાસા હેઠળ જેલમાં માકલ્યો હતો. જો કે ૧૦મી જુનના રોજ જેલમાંથી છુટીને ફરીથી તેણે દારૂનો વેપલો શરૂ કર્યો હતો. આ અંગે દરિયાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.