ડબ્બા ટ્રેડીંગમાં કરોડાનો કારોબાર કરતા દીપક ઠક્કરની દુબઇથી ધરપકડ
માધુપુરામાં નોંધાયેલા ક્રિકેટ સટ્ટા બેટિંગ-ડબ્બા ટ્રેડીંગ કેસમાં મોટી સફળતા
દુબઇમાં રહીનેઅમદાવાદમાં હર્ષિત જૈન સાથે મળીને વેલોસીટી સર્વર મેટા ટ્રેડરનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કારોબાર કરતો હતો
અમદાવાદ,રવિવાર
અમદાવાદના માધુપુરામાં દોઢ વર્ષ પહેલા નોંધવામાં આવેલા ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના ગુનામાં તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મહત્વની સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈન સાથે મળીને દુબઇમાં બેઠા બેઠા ડબ્બા ટ્રેડીંગનો કારોબાર કરતા દીપક ઠક્કરની દુબઇ ધરપકડ કરવામાં આવી છે. દીપક ઠક્કર વિરૂદ્ધ ઇન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી. જેના આધારે દુબઇ પોલીસે તેને ઝડપીને ગુજરાત પોલીસને હવાલે કર્યો હતો. દીપક ઠક્કરની પુછપરછમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ચાલતા ડબ્બા ટ્રેડીગના કરોડોના કૌભાંડની વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
અમદાવાદના માધુપુરામાં દોઢ વર્ષ પહેલા પીસીબીના અધિકારીઓએ દરોડો
પાડીને ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ કૌભાંડ અને ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ થયો હતો.
જેમાં મુખ્ય આરોપી હર્ષિત જૈન અન્ય લોકો સાથે મળીને ૨૩૦૦ કરોડનો ગેરકાયદેસર કારોબાર
કરતો હોવાનું સામે આવ્યું હતું. હર્ષિત જૈન
સાથે ડબ્બા ટ્રેડીંગનું કૌભાંડ આચરવાના કેસમાં દીપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર
(રહે. અંબિકાનગર સોસાયટી,
ભાભર, બનાસકાંઠા)ની
સંડોવણી સામે આવી હતી. જે દુબઇમાં રહીને સેટેલાઇમાં આવેલા પીએનટીસી કોમ્પ્લેક્સમાં વીવીઆઇપી સોફ્ટવેરની શેરબજારની ઓફિસની આડમાં ડબ્બા
ટ્રેડીંગ કરતો હતો. આ માટે તેણે વેલોસીટી સર્વર મેટા ટ્ેડર એપ્લીકેશનથી ડબ્બા ટ્રેડીંગનું
આઇ ડી મેળવીને સમગ્ર કૌભાંડ આચરતો હતો. જેથી દુબઇથી તેની ધરપકડ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ
સેલ દ્વારા લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવા ઉપરાંત,ઇન્ટરપોલને
દરખાસ્ત કરીને રેડ કોર્નર નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી. જે નોટીસના આધારે યુનાઇટેડ
આરબ એમીરાતના સીઆઇડી ક્રાઇમ યુનિટે દીપક ઠક્કરની ધરપકડ હતી. જેના આધારે ગુજરાતના ગૃહ વિભાગ મારફતે કેન્દ્રના
ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા યુએઇ પોલીસને પ્રત્યાર્પણની દરખાસ્ત મોેકલવામાં
આવી હતી. જે મંજુર થતા સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજીપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે ટી કામરિયા
સહિતની ટીમ દુબઇ પહોંચી હતી અને દીપક ઠક્કરનો સત્તાવાર કબ્જો મેળવ્યો હતો.
પોલીસે દીપક ઠક્કર પાસેથી બે પાસપોર્ટ,
દુબઇનું ચલણ અને ડબ્બા ટ્રેડીંગના કારોબાર સાથે સંકળાયેલા અનેક
લોકોના નામ અને મોબાઇલ નંબર મળી આવ્યા હતા. દીપક ઠક્કર અમદાવાદમાં પ્રકાશ માળી, અમિત ખત્રીની
મદદથી અમદાવાદની ઓફિસ ચલાવતો હતો. પોલીસે પીએનટીસી કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાંથી
ડબ્બા ટ્રેડીંગને લગતા અનેક મહત્વના દસ્તાવેજ
પણ જપ્ત કર્યા હતા. જેમાં કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતો મળી હતી.
દીપક ઠક્કર દેશના મોટા શહેરો ડબ્બા ટ્રેડીંગનો કારોબાર કરતો હોવાની આશંકા
દીપક ઠક્કર ઘણા વર્ષોથી દુબઇમાં પરિવાર સાથે સ્થાયી થયો હતો.
જ્યાંથી અમદાવાદમાં હર્ષિત જૈન માટે કામ કરતો હતો. સાથેસાથે દેશના અન્ય શહેરોમાં પણ અન્ય મોટા માથા સાથે મળીને
ડબ્બા ટ્રેડીંગનો કારોબાર મોટાપાયે કરતો હોવાની કડી પોલીસને મળી છે. જેના આધારે તપાસ
શરૂ કરવામાં આવી છે.
દીપક ઠક્કરની ધરપકડ થતા ગુજરાતના ડબ્બા ટ્રેડીંગના મોટા માફિયા
ભૂગર્ભમાં ઉતરી ગયા
દીપક ઠક્કર ગુજરાતમાં ડબ્બા ટ્રેડીંગનો સૌથી મોટો કારોબાર કરતો
હતો. જેમાં રાજકોટ, સુરત, વડોદરા, થરાદ, ઉંઝા , ડીસા સહિતના મોટા
શહેરોમાં પોતાનું નેટવર્ક ધરાવતો હતો. પોલીસને દીપક ઠક્કરના ગુજરાતના સંપર્ક અંગેની
અનેક મહત્વની વિગતો મળી છે. જેના આધારે અનેક લોકોની ધરપકડની શક્યતા છે. જેથી દીપક ઠક્કરની ધરપકડ થવાની સાથે ડબ્બા ટ્રેડીંગ સાથે સંકળાયેલા અનેક માફિયા ભૂગર્ભમાં
ઉતરી ગયા છે.
અમિત મજેઠિયા અને હર્ષિત જૈન વિરૂદ્ધ પણ રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરવામાં આવી
શાહીબાગમાં રહેતો હર્ષિત જૈન દુબઇમાં રહેતા બુકી અમિત મજેઠિયા અને મહાદેવ બુકી
સાથે મળીને ગુજરાતનું સૌથી મોટુ ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચલાવતો હતો. જો કે પીસીબીએ
ગુનો નોંધતા હર્ષિત જૈન અમદાવાદથી દુબઇ ફરાર થઇ ગયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા
ઇન્ટરપોલની મદદથી હર્ષિત જૈન ,
અમિત મજેઠિયા અને મહાદેવ બુકી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.
જો કે અમિત મજેઠિયા દુબઇથી આફ્રિકન દેશોમાં ફરાર થઇ ગયાની આશંકા છે અને હર્ષિત જૈન
અંગે યુએઇ પોલીસ કરી રહી છે.