છ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા SMC દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું
બે વર્ષ પહેલા નોંધાયેલા કબુતરબાજીના કેસ અંગે કાર્યવાહી
મુખ્ય આરોપી જયેશ ઉર્ફે બોબી પટેલ પાસેથી ૬૯ પાસપોર્ટ સહિત અનેક દસ્તાવેજો મળી આવ્યા હતાઃ અગાઉ નવ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે
અમદાવાદ,બુધવાર
શહેરના સોલા વિસ્તારમાં ઇમીગ્રેશન અને વિઝાના ઓફિસ ધરાવીને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કૌભાંડ અંગે બે વર્ષ પહેલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં મુખ્ય આરોપી બોબી પટેલ સહિત નવ આરોપીઓની અનેક દસ્તાવેજી પુરાવા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ કેસમાં હજુ આરોપીઓ ફરાર હોવાથી તેમની ઝડપી લેવાની કે માહિતી આપનારને આરોપી દીઠ રૂપિયા ૨૫ હજારનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે ડિગુંચાના એક જ પરિવારના ચાર સભ્યોનું ગેરકાયદેસર પ્રવેશ કરતા સમયે મોત નીપજ્યા હતા.આ તમામને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં બોબી પટેલ અને તેની ગેંગની સંડોવણી સામે આવી હતી. ગુજરાતમાંથી ખુબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટથી ડીપોર્ટ કરીને મુંબઇ લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે વર્ષ પહેલા સોલા પોલીસ સ્ટેશનની હદમાં કબુતરબાજીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં જયેશ ઉર્ફે બોબી પટેલ પાસેથી પોલીસે ૬૯ જેટલા પાસપોર્ટ અને કબુતરબાજીને લગતા દસ્તાવેજો ખુબ મોટાપ્રમાણમાં જપ્ત કર્યા હતા. જે અંગે કુલ ૧૫ લોકો સામે ગુનો નોંધીને બોબી પટેલ સહિત નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે રાકેશ રાય ઉર્ફે રોબોર્ટ (રહે.પામ એપાર્ટમેન્ટ, દ્વારકા, નવી દિલ્હી),બિપીન સોમાભાઇ દરજી (રહે. આસ્થા નિવાસ બંગ્લોઝ, રાધનપુર રોડ, મહેસાણા), અમનદિપસિંઘ (રહે. ફતેહનગર, નવી દિલ્હી) ,પંકજ શંકરલાલ પટેલ (રહે.વાત્સલ્યવાટીકા, કડી), ઝાકિર ઉર્ફે રાજુભાઇ યુસુફ શેખ (રહે. શેફર્ડ રેસીડેન્સી, ગોરાગાઉ વેસ્ટ, મુંબઇ) હજુ ફરાર હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને આરોપી દીઠ રૂપિયા ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કરાયું છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કેટલાંક આરોપીઓ કબુતરબાજીનો કેસ નોંધાયા બાદ વિદેશમાં ફરાર થઇ ગયાનું પણ જાણવા મળ્યું છે.