Get The App

એસઆઇટી દ્વારા ફાયર અને પોલીસના છ કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી

રાજકોટ ગેમઝોન આગકાંડ મામલો

ગેમઝોનમાં નિયમિત તપાસ અને પરમીનશનની તપાસમાં બેદરકારી રાખી હોવાનું પુછપરછમાં સામે આવ્યું

Updated: May 31st, 2024


Google NewsGoogle News
એસઆઇટી દ્વારા ફાયર અને પોલીસના  છ કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી 1 - image

અમદાવાદ, શુક્રવાર

રાજકોટ ગેમઝોન આગકાંડ મામલે તપાસ કરી રહેલી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા શુક્રવારે વધુ છ લોકોના નિવેદન લેવાની સાથે પુછપરછ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ફાયર બ્રિગેડના ત્રણ અને પોલીસ વિભાગના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે.  જે કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા તેમણે ગેમઝોનમાં નિયમિત તપાસ  કે પરમીશન અંગે ચકાસણી કરી નહોતી. જેથી તેમની બેદકારી સામે આવી છે. એસઆઇટી દ્વારા અત્યાર સુધીમાં ૨૫ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા રાજકોટમાં તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં શુક્રવારે ગાંધીનગર પોલીસ ભવન ખાતે  છ લોકોની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગના ત્રણ અને  પોલીસ વિભાગના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા મુજબ જે લોકોની પુછપરછ કરવામાં આવી  તે તમામ લોકોની જવાબદારી ગેમઝોનમાં ઇન્સ્પેક્શન અને પરમીશનની ચકાસણી કરવાની હતી. જો કે તેમણે આ બાબતમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. જેના આધારે તેમના સામે કાયદાકીય પગલા લેવાની શક્યતા પણ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હજુ  ગેમ ઝોનના પૂર્વ સ્ટાફની પુછપરછ કરવામાં આવશે. જેથી કેસને લગતી કડી મળી શકે. એસઆઇટી દ્વારા અત્યાર સુધીમાં ૨૫ લોકોની પુછપરછ કરવામાં આવી  છે. જેમાં અનેક લોકો સામે કાયદાકીય કાર્યવાહી પણ થઇ ચુકી છે.


Google NewsGoogle News