એસઆઇટીએ આઇપીએસ બલરામ મીણા અને વિધી ચૌધરીની પુછપરછ કરી
રાજકોટ ગેમઝોન આગકાંડનો મામલો
બલરામ મીણા અગાઉ રાજકોટમાં ફરજ બજાવતા હતા અન્ય સાત વ્યક્તિઓની પુછપરછ પણ કરવામાં આવી
અમદાવાદ,શનિવાર
રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ કરી રહેલી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા શનિવારે ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજકોટમાં અગાઉ ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલી આઇપીએસ અધિકારી બલરામ મીણા અને આગકાંડ બાદ બદલી કરાયેલા રાજકોટના એડીશનલ કમિશનર ઓફ પોલીસ વિધી ચૌધરીની પુછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય પાંચ લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ મામલે તપાસ કરી રહેલી એસઆઇટી દ્વારા શનિવારે કુલ સાત લોકોના નિવેદન નોંધવાની સાથે લાંબી પુછપરછ પણ કરવામાં આવી હતી. જેમાં પ્રથમવાર બે આઇપીએસ અધિકારીઓની પુછપરછ થઇ હતી. આ આઇપીએસ અધિકારીઓમાં હાલ વેસ્ટર્ન રેલવેના એસપી બલરામ મીણા અને આગકાંડ બાદ રાજકોટમાંથી એડીશનલ કમિશનર ઓફ પોલીસ વિધી ચૌધરીનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં આ ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યો ત્યારે બલરામ મીણા રાજકોટમાં ફરજ બજાવતા હતા. જ્યારે વિધી ચૌધરી પાસે વહીવટી વિભાગ, ટ્રાફિક અને ક્રાઇમની જવાબદારી હતી. આ ઉપરાંત, એસઆઇટી દ્વારા અન્ય પાંચ લોકોની પણ પુછપરછ કરવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ ૩૨ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવેદન પણ નોંધવામાં આવશે.