શ્રેય હોસ્પિટલની આગની ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહીમાં શંકાના ઘેરાવામાં
કોરોનાગ્રસ્ત આઠ દર્દીઓના મોત થયા હતા
મૃતકોના સગાએ ન્યાય માટે પંચ સામે હાઇકોર્ટમાં જવાનો વારો આવ્યો હતોઃ તપાસને લઇને અનેક શંકા ઉભી થઇ હતી
અમદાવાદ,શનિવાર
સુરતનો અગ્નિકાંડ હોય કે અન્ય કોઇ ઘટના હોય તમામ તંત્ર જ્યારે ઘટના બને ત્યાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવીને કહેવા પુરતી કાર્યવાહી કરતું હોય છે. અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ઓગસ્ટ ૨૦૨૦માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મોત નીપજ્યા હતા. આ કેસમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. જો કે જવાબદારો સામે હજુ સુધી યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી અને મૃૃતકોને પરિવારજનોને એક સમયે તપાસ પંચની કામગીરીને લઇને હાઇકોર્ટમાં જવુ પડયું હતું. કોરોનાના કાળ દરમિયાન છ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આઇસીયુમાં આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મરણ થયા હતા અને અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં સરકારે જવાબદાર સામે આકરા પગલા ભરવાની ખાતરી આપીને તપાસ માટે જસ્ટિસ ડી એ મહેતા તપાસ પંચ નિમવામાં આવ્યું હતું. પરંતુ, પંચ સામે મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે તેમને કેસને લગતા દસ્તાવેજો કે માહિતી આપવામાં આવી નહોતી. સાથેસાથે સાક્ષીઓ અને હોસ્પિટલના તબીબો તેમજ સંચાલકોની ઉલટ તપાસ માટે રજૂઆત કરવામાં આવતી પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે આરોપ મુકવામાં આવ્યો હતો કે શ્રેય હોસ્પિટલ યોગ્ય પ્રમાણપત્રો વિના રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવી હતી. આમ આ કેસમાં તપાસ પંચ શંકાના ઘેરાવામાં આવ્યું હતું.