Get The App

આજથી શ્રાવણ માસ : ભક્તો આ વખતે મંદિરમાં અભિષેક નહીં કરી શકે

- શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો...

- કોરોનાને પગલે મંદિરોમાં રૃદ્રી સહિતના આયોજનો પણ નહીં, ભક્તો ભોળેનાથના માત્ર દર્શન કરી શકશે

Updated: Jul 20th, 2020

GS TEAM


Google News
Google News

અમદાવાદ, સોમવાર

જપ-તપ-આસ્થા-ઉલ્લાસનું સંયોજન જેમાં થાય છે તે પવિત્ર શ્રાવણ માસનો મંગળવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ. આગામી એક માસ સુધી ભક્તો ભોળેનાથની ભક્તિમાં લીન્ન થશે. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન શિવલિંગના અભિષેક માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે અને આસ્થામય વાતાવરણની અનુભૂતિ થાય છે. આ વખતે શ્રાવણ માસમાં આસ્થામય વાતાવરણનો અનુભવ થશે પણ મહામારી કોરોનાને પગલે મોટાભાગના મંદિરોમાં ભક્તો અભિષેક નહીં કરી શકે. 

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે અને ગુજરાતમાંથી જ દૈનિક કેસનો આંક હવે ૧ હજારની નજીક છે. આ સ્થિતિમાં ગુજરાતના નાના-મોટા મંદિરોમાં ભક્તો અભિષેક નહીં પણ માત્ર દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. મંદિરોમાં આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે અને સરકારની ગાઇડલાઇનનું પાલન થાય તે રીતે જ દર્શન કરી શકાશે. આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં રૃદ્રી, હવન સહિતના આયોજન પણ  નહીં કરવામાં આવે. ભક્તો આ વખતે શિવલિંગમાં બિલી પણ ચઢાવી શકશે નહીં. તમામ મંદિરોમાં ભક્તો માટે માસ્ક ફરજીયાત છે તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશી શકાશે. જ્યોર્તિલિંગ સોમનાથમાં સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ભવ્ય આયોજન કરાતા હોય છે અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થાય તેવા કોઇ પણ કાર્યક્રમ નહીં યોજવામાં આવે.

સોમનાથ મંદિરમાં ચાર સોમવાર-માસિક શિવરાત્રિ-રક્ષાબંધન-શિતળા સાતમ-જન્માષ્ટમી-અગિયારસ-પૂનમ-અમાસ દરમિયાન દર્શનનો સમય સવારે ૬ થી ૬ઃ૩૦, સાંજે ૭ઃ૩૦થી ૧૧ઃ૩૦, બપોરે ૧૨ઃ૩૦થી સાંજે ૬ઃ૩૦ અને રાત્રે ૭ઃ૩૦થી ૯ઃ૧૫નો રહેશે. આ સિવાયના દિવસોમાં દર્શનનો સમય સવારે ૭ઃ૩૦થી ૧૧ઃ૩૦, બપોરે ૧૨ઃ૩૦થી સાંજે ૬ઃ૩૦નો રહેશે. અમદાવાદમાં આવેલા ૧૧૦૦ વર્ષ પ્રાચિન મંદિર કર્ણમુક્તેશ્વર મહાદેવમાં માત્ર સવારે ૯થી બપોરે ૧૨ દરમિયાન જ ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરી શકશે.

આ સિવાય ચકુડિયા મહાદેવ મંદિરમાં સવારે ૫ઃ૩૦થ રાત્રે ૯ સુધી ભક્તો દર્શન કરી શકશે. બીજી તરફ નારણપુરામાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિરની બહાર ૮ ફૂટ મોટો સ્ક્રીન મૂકવામાં આવ્યો છે અને ત્યાં પણ ભક્તો અભિષેક નહીં કરી શકે. શ્રાવણ માસમાં તહેવારોની પણ હેલી સર્જાતી હોય છે. આગામી એકમાસમાં રક્ષાબંધન, નાગ પંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવશે. શાસ્ત્રવિદોના મતે આ વખતે કોરોનાની મહામારી કેર વર્તાવી રહી છે ત્યારે ભક્તોએ શક્ય તેટલી વખત મહામૃત્યુંજય મંત્રનો જાપન કરવો જોઇએ.

 

શ્રાવણ માસના વિવિધ પર્વ-તહેવારો

તારીખ                 પર્વ-તહેવાર

૨૩ જુલાઇ, ગુરુવાર    મધુશ્રવા ત્રીજ

૩૦ જુલાઇ, ગુરુવાર    પવિત્રા એકાદશી

૩ ઓગસ્ટ, સોમવાર    રક્ષાબંધન

૬ ઓગસ્ટ, ગુરુવાર     ફૂલકાલજી વ્રત

૮ ઓગસ્ટ, શનિવાર    નાગ પંચમી

૯ ઓગસ્ટ, રવિવાર     રાંધણ છઠ્ઠ

૧૦ ઓગસ્ટ, સોમવાર  શીતળા સાતમ

૧૨ ઓગસ્ટ, બુધવાર   જન્માષ્ટમી

૧૫ ઓગસ્ટ, શનિવાર   અજા એકાદશી

૧૯ ઓગસ્ટ           શિવપૂજન માસ સમાપ્ત

Tags :