પૂર્વ અમદાવાદમાં પાણીનો કકળાટ, ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની તંગી વર્તાઇ
- રોજ અઢીસોથી વધુ પાણીના ટેન્કરો અછતવાળા વિસ્તારમાં પાણી પહોંચાડે છે
- મોટાભાગના વિસ્તારો ગ્રામપંચાયત સમયના પાણીના બોર પર જ નભી રહ્યા છે, પાણી માટે રઝળપાટ કરતા શહેરીજનો
અમદાવાદ,તા.17 માર્ચ 2022, ગુરૂવાર
પૂર્વ અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના અને ખાનગી પાણીના ટેન્કરો મળીને રોજના અઢીસોથી વધુ પાણીના ટેન્કરો પૂર્વના પટ્ટામાં ફરી રહ્યા છે. કોર્પોરેશનની પાણીની લાઇનમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી અનેક વિસ્તારોમાં આવી રહ્યું છે જેના કારણે લોકો દૈનિક ઘરવપરાશ જેટલું પણ પાણી ભરી શકતા નથી. કોર્પોરેશન મફત પાણીના ટેન્કરો ઘેરઘેર પહોંચાડવામાં ઉણું ઉતર્યું છે. ત્યારે ખાનગી પાણીના ટેન્કરવાળાઓ ડિઝલના ભાવ વધારાને ધ્યાને લઇને સમય , અંતર જોતા ટેન્કર દીઠ ૪૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીનો ભાવ વસુલી રહ્યા છે જે ગરીબ અને મધ્યમવર્ગ માટે પડતા પર પાટું મારવા સમાન પુરવાર થઇ રહ્યું છે.
નરોડાથી નારોલના પટ્ટામાં ઠેરઠેર પીવાના પાણીની તંગી પ્રવર્તી રહી છે. કરોડોની કિંમતના મકાનો હોય પરંતુ પાણીની હાડમારી મકાનની રિસેલ વેલ્યું ઘટાડીને કોડીની કરી નાંખે છે. આલિશાન મકાનમાં તમામ સુખ સુવિધા હોય પરંતુ તે મકાનમાં પીવાનું પાણી ખાનગી કે મ્યુનિ.પાણીના ટેન્કરો દ્વારા પહોંચાડાતું હોય તેવું અચરજ પમાડે, વિરોધાભાસી લાગે તેવું દ્રશ્ય પણ પૂર્વ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં જોવા મળી જશે. સ્માર્ટસિટી માટે કલંક સમાન છે.
પૂર્વનો નવો વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયો, કોર્પોરેશનના વિવિધ ટેક્સ લોકો ભરતા થઇ ગયા, પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના બોર પર નભી રહ્યા છે. કોર્પોરેશન પીવાના પાણીની પુરતી લાઇનો પણ મોટાભાગના વિસ્તારમાં છેવાડાના અને આંતરિક વિસ્તારમાં નાંખી નથી શક્યું. નિકોલ વિસ્તારનો લગભગ ૮૦ ટકા વિસ્તાર હાલમાં પણ બોર આધારીત પાણી પર નભે છે.
કોતરપુર વોટર વર્કસ, રાસ્કા વિયર લાઇન અને બોર આધારિત પાણી પૂર્વમાં લોકોને મળે છે. નર્મદાનું પાણી લાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં નર્મદાનું પાણી આવી પણ રહ્યું છે પરંતુ હજુ તેની પાઇપલાઇન પાથરવાની કામગીરી ચાલી રહી છે. સત્તાધીશો દાવા તો કરી રહ્યા છેકે પીવાના પાણીની તંગી દુર કરાશે, તેના માટેની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણો લાંબો સમય ખેંચાઇ જતા હવે લોકોની પણ ધીરજ ખૂટી રહી છે.
આ સ્થિતિમાં લોકોએ પીવાના પાણી માટે હાડમારીઓ ભોગવવી પડી રહી છે. માટલા, પાણીના કેરબા લઇને આજુબાજુના વિસ્તારોમાં રઝળપાટ કરવી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી દુષિત આવી રહ્યું હોવાની પણ ફરિયાદો વચ્ચે લોકો પાણીજન્ય રોગચાળાનો ભોગ બન્યા છે. પૂર્વના જશોદાનગર જેવા ઉંચાણવાળા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વધુ જોવા મળી રહી છે.
ગોમતીપુર વોર્ડમાં ચાલી વિસ્તારમાં પાણીની તંગી, રોગચાળો વકર્યો !
ગોમતીપુર વોર્ડમાં જૈન દેરાસર, મણિયારવાડા, સમશેરબાગ, કોઠાવાડા વોરાની ચાલી, નાગપુર વોરાની ચાલી, અમનગર, નુરભાઇ ધોબીની ચાલી, ઇસ્લામનગર, વિશ્વનાથનગર, અજિત રેસીડેન્સી, માચિસની ચાલી, પટેલની ચાલી, પુજારીની ચાલી સહિતના વિસ્તારોમાં અપુરતા અને ઓછા પ્રેસરથી પાણી આવવાની સમસ્યા કાયમી છે.
ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ અધિકારીઓને ફરિયાદો કરવા છતાંય ચાલી વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલાતી નથી. પાણીની ટાંકી ખોખરા અને અમરાઇવાડી વોર્ડમાં આવેલી હોવાથી ત્યાંથી સમસ્યા હોવાનું જણાવીને અધિકારીઓ ખો આપી રહ્યા છે.
પીવાના પાણીની લાઇનમાં પ્રેસર ડાઉન રહે છે, જેના કારણે બે કલાક આવતું પાણી પોણો કલાક જ આવે છે અને તે પણ ધીમું ! જેના કારણે ઘરવપરાશનું પાણી પણ ભરી શકાતું નથી. પાણીની નવી લાઇન નાંખે, પ્રેસર મળી રહે તે મુજબની સિસ્ટમ અમલી બનાવો તેવી માંગણી છે. લીકેજના કારણે ઘરોમાં દુષિત પાણી આવી રહ્યું છે જેના કારણે પાણીજન્ય રોગોનો લોકો ભોગ બની રહ્યા છે.
પાણીની તંગી વચ્ચે દૈનિક જીવન હાડમારી ભર્યું બન્યું !
પૂર્વ અમદાવાદમાં ભાઇપુરા વોર્ડમાં સત્યનારાયણ સોસાયટી , વાંસફોડાની ચાલી, ફુટવાળાની ચાલી, જોગણી માતાનો ચોક, હરીપુરાના છાપરા અને તેની આજુબાજુમાં આવેલી ચાલીઓમાં તેમજ હાટકેશ્વરને અડીને આવેલી ચાલી વિસ્તારમાં પાણીની તંગી પ્રવર્તી રહી છે. દાણીલીમડામાં છીપા સોસાયટી, વટવામાં નવા લાંભા વિસ્તારમાં, ઘોડાસરમાં મંગલેશ્વર મહાદેવ પાસેના વિસ્તારમાં પાણી ઓછું અને ઓછા પ્રેસરથી આવવાની ફરિયાદો છે.
જશોદાનગરમાં નવી વસાહતમાં મહિસાગર માતાના મંદિરના ટેકરા વિસ્તારમાં ૪૨૯ થી ૪૩૫ નંબરના મકાનમાં પાણી નથી આવતું રહીશોનો આક્ષેપ છેકે મ્યુનિ.તંત્ર દ્વારા મહાવીર એસ્ટેટ, કમળ એસ્ટેટ અને જીઆઇડીસીના મકાનોમાં પીવાનું પાણી આપી દેવાયું હોવાથી તેમને પાણી મળી રહ્યું નથી.
રામોલ-જામફળવાળી વિસ્તાર, રામોલ-ન્યુ મણિનગર જનતાનગર વિસ્તાર, નવા વિંઝોલ, નવા વટવા વિસ્તારના પટ્ટામાં ઉત્પતીકાર સહિતના સોસાયટીઓમાં પાણીની તંગી પ્રવર્તી રહી છે.ખોખરા હાઉસિંગના મકાનો, રાજીવનગરનો ટેકરો, ગરોડિયા ટેકરો, અમરાઇવાડીની શ્રમજીવી વસાહતો, ભીલવાડા, મોદી નગર, ખોખરા મ્યુનિ.સ્લમ ક્વાટર્સ વિસ્તાર, લાંભા ઇન્દિરાનગર વિભાગ૧-૨, રખિયાલમાં સુંદરમનગર, સત્યમનગર, શિવાનંદનગર સહિતના વિસ્તારમાં ઓછા પ્રેસરથી અને ઓછું પાણી આવી રહ્યું છે.લોકો પાણીની તંગી વેઠી રહ્યા છે. નિકોલ વોર્ડમાં ભગવતી નગર, કઠવાડા ઇન્દિરા વસાહત હુડકોના મકાનોમાં પાણીની તંગી પ્રવર્તી રહી છે.
ખાનગી પાણીના ટેન્કરોમાં ભાવ વધારો, 400થી 1000 રૂપિયે ટેન્કર પડે છે !
મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાની સાથે જ પરિવહન પણ મોંઘું થયું છે. ખાનગી પાણીના ટેન્કરો ગત વર્ષ સુધીમાં અઢીસોથી ત્રણસો રૂપિયા મળી જતા હતા. હાલમાં પાંચ હજાર લીટર પાણીનું ટેન્કર ૪૦૦થી માંડીને એક હજાર રૂપિયામાં મળી રહ્યું છે. વિસ્તારનું અંતર અને સમયને ધ્યાને લઇને જુદાજુદા ભાવો લેવાઇ રહ્યા છે.
આ સ્થિતિમાં લોકો માટે પાણી માટે આટલા બધા રૂપિયા ખર્ચવા પરવડે તેમ નથી. રહીશોના જણાવ્યા મુજબ મ્યનિ.તંત્ર દ્વારા જશોદાનગર, ઘોડાસર, ઇસનપુર, બાપુનગર, નરોડા વગેરે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પરથી દૈનિક ધોરણે પાણીના ટેન્કરો ભરીને પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. કોર્પોરેશનના ટેન્કરો પહોંચી વળતા નથી, તેમાં લાંબુ વેઇટિંગ ચાલે છે. જ્યાં પાંચ ટેન્કરની જરૂર હોય ત્યાં માંડ બે ટેન્કરો પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો નાછુટકે પૈસા ખર્ચીને ખાનગી પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે.