દુકાન સીલ કરવા ગયેલા મ્યુનિ. કોર્પોરેેશન અધિકારી પર હુમલો કરી ધમકી આપી
- સરસપુર આંબેડકર હોલ પાસેની ઘટના
- પ્રતિબંધીત પ્લાસ્ટિક મળી આવતાં દુકાનોને કરેલા સીલ ખોલવાનું કહીને દુકાનદારોએ દાદાગીરી કરી
અમદાવાદ, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક કોથળી સહિતના સામાનના ચેકીંગની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં સરસપુર વિસ્તારમાં ત્રણ દુાકનમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીક મળી આવતાં દુકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન દુકાનદારોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના પલ્બીક હેલ્થ સુપરવાઇઝરની ફેંટ પકડીને હુમલો કયો હતો અને સીલ કરેલી દુકાનો ખોલવાની વાત કરીને માર મારવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે દુકાનદાર સહિત તેમના સાગરીતો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરસપુર વોર્ડના હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભરતકુમાર. જી.પરમારે શેહર કોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ઉત્તર ઝોનના સોલીડ વેસ્ટ તરફથી પ્રતિબંધીત પ્લાસ્ટીક ચેક કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેને લઇને ગઇકાલે સાંજે સરસપુર વિસ્તારમાં આંબેડકર હોલ પાસે આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયાં લક્ષ્મી ડિસ્પોઝલ નામની દુકાનમાંથી પાંચ કિલો પ્લાસ્ટીક મળી આવ્યું હતું.
જે દુકાનને સીલ મારી હતી ત્યારબાદ બાજુમાં આવેલી વર્ધમાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા દયારામ નાસ્તા એન્ડ ચવાણા હાઉસ અને ગ્લોબ ઓટો નામની દુકાનમાંથી પર પ્રતિબંધ પ્લાસ્ટીક મળી આવ્યું હતું, જેથી તેઓએ દુકાનને સીલ મારવા અંગે ગાળો બોલીને દુકાનદારાઓએ વિરોધ કર્યો હતો, જો કે પોલીસની મદદથી દુકાનોને સીલ કર્યા હતા.
દરમિયાન હેલ્થ અધિકારી અને તેમની ટીમના માણસો રિક્ષામાં બેસીને જઇ રહ્યા હતા, આ સમયે દુકાનદારના સાગરીત કમલેશ ગુપ્તાએ ત્યાં આવીને નિર્શલભાઇ ડુંગરાણીના હાથમાં વહીવટી ચાર્જની બુક છીંનવીને ફાડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, એટલું જ નહી ફરિયાદી અધિકારી સમજાવવા જતાં તેમની ફેંટ પકડીને રિક્ષામાંથી નીચે ઉતારીને ગાળો બોલીને હુમલો કર્યા બાદ અત્યારે જ દુકાનનું સીલ ખોલવાનું કહીને દાદાગીરી કરી હતી અને જો સીલ નહી ખોલી આપે તો અહિયાં જ મારીશ તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ ટીમના સભ્યોને પણ અહિયાં કેમ નોકરી કરો છો કહીને ધમકાવ્યા હતા જેથી અધિકારીએ તુરંત પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં પોલીસ આવી પહોચે તે પહેલા આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસ દુકાનદાર અને તેના સાગરીતો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.