પુત્રના હત્યારાઓ સાથે સમાધાન મામલે આપેલી ધમકી મામલે પોલીસે ફરિયાદ જ નોંધી
શાહપુર રહેતી મહિલાના પુત્રની 40 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારાયો હતો
પોલીસે અરજી લઇને આરોપીઓને છાવરવા માટે સામા પક્ષે અરજી લઇ શંકાસ્પદ ભૂમિકા ભજવી
અમદાવાદ, રવિવાર
શહેરના શાહપુરમાં રહેતા અનીષાબેન બેલીમના પુત્ર મોહંમદ બિલાલ બેલિમની શાહપુરમાં રહેતા કરીમખાન સૈયદ અને તેના પુત્ર મોહસીન, ઇમરાન અને વસીમ નામના વ્યક્તિઓએ છરીને 40 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે કેસમાં શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ સાબરમતી જેલને હવાલે કરી દીધા હતા. આ કેસમાં સાબરમતી જેલમાં રહેલા પિતા અને ત્રણેય પુત્રોએ અનેકવાર જામીન અરજી કરી હતી. પરંતુ, નીચલી કોર્ટથી માંડીને હાઇકોર્ટ સુધી જામીન અરજી મુકી હતી. પરંતુ, ઘટનાની ગંભીરતા અને ક્રુરતાને ધ્યાનમાં રાખીને તમામના જામીન નામંજુર કરવામાં આવ્યા હતા. એટલું જ આરોપીઓએ જેલમાંથી ફોન કરીને સમાધાન કરવા માટે ધમકી આપી હતી. જે અંગે શાહપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આ કેસમા સમાધાન થાય તે માટે અનેકવાર પ્રયાસ કરાયો હતો. પરંતુ, ફરિયાદી પક્ષે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. ત્યારે થોડા દિવસ પહેલા અનીષાબેન બજારમાં જતા હતા ત્યારે સમીર ઉર્ફે બિહારી નવસાદ શેખ (રબે. બટાકાની બિલ્ડીંગ, પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, શાહપુર) નામનો યુવકે તેમની પાસે આવીને ધમકી આપી હતી કે આ કેસમાં સમાધાન કરી લે નહીતર બીજો પુત્ર પણ ગુમાવવો પડશે. આ મામલે અનીષાબેને ડરીને શાહપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરીને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ, યુવકની 40 જેટલા ઘા ઝીંકીને હત્યાના કેસના ગંભીર મામલે પોલીસે ધમકી આપનારની સામે કાર્યવાહી કરવાને બદલે સામાન્ય અરજી ગણીને માત્ર નિવેદન લઇને સંતોષ માન્યો હતો. ત્યારે આ મામલે શાહપુર પોલીસની નિષ્ક્રિયતાને લઇને અનેક સવાલ ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે મોહંમદ બિલાલ બેલિમની હત્યા થઇ તે પહેલા તેના પર હુમલો થયો હતો. ત્યારે પણ પોલીસે સામાન્ય અરજી લઇને કાર્યવાહી કરી હતી. જેના પરિણામે આરોપીઓએ પોલીસના ડર વિના તેની ક્રુર હત્યા કરી હતી. આમ, ફરીથી ધમકી મળતા હવે અનીષાબેનને ડર છે કે આરોપીઓ જેલ રહીને તેમના પુત્રો કે અન્ય પરિવારજનોને ટારગેટ કરી શકે છે. ત્યારે શાહપુર પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.