Get The App

યુવકની જાહેરમાં હત્યાના કેસમાં વકીલ સહિત છ આરોપીને જન્મટીપની સજા

સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો ઃ સૌપ્રથમવાર કોઇ વકીલને જન્મટીપ

શાહપુરમાં અંગત અદાવતમાં આરોપીઓએ ૨૦ વર્ષના છોકરાને તલવારો-લોખંડની પાઇપોથી હુમલો કરી જાહેરમાં પતાવી દીધો હતો

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
યુવકની જાહેરમાં હત્યાના કેસમાં વકીલ સહિત છ આરોપીને જન્મટીપની સજા 1 - image

અમદાવાદ,બુધવાર

વર્ષ ૨૦૧૬માં શહેરના શાહપુર વિસ્તારમાં નાગોરીવાડ ચોકીથી ૭૦૦ મીટર દૂર હમજાવાડ ખાતે લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા સાહિલ ઉર્ફે શાનુ નાગોરી નામના ૨૦ વર્ષના યુવકની જાહેરમાં તલવારો અને લોખંડની પાઇપોથી હુમલો કરી મોત નીપજાવવાના ચકચારભર્યા મર્ડર કેસમાં આરોપી એડવોકેટ ઇમરાન વકીલ સહિત છ આરોપીઓને ભદ્ર સેશન્સ કોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે જન્મટીપની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. અમદાવાદના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઇ વકીલને મર્ડર કસમાં જન્મટીપની સજા થઇ છે, જેને લઇ વકીલઆલમમાં પણ કેસનો ચુકાદો ચર્ચામાં રહ્યો છે. શહેરના શાહપુર વિસ્તારમાં નાગોરીવાડ ટેકરા પર હમજાવાડના નાકા ખાતે ગત તા.૨૫-૯-૨૦૧૬ના રોજ આરોપી જાકીર મહંમદ નાગોરી, અવેશ જાકીર નાગોરી, જુનેદ અનવર નાગોરી, ઇમરાન વકીલ, ઇકરામ અલ્લારખા નાગોરી અને ઇલ્યાસ જાકીરનાઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખી માત્ર ૨૦ વર્ષના યુવક સાહિલ ઉર્ફે શાનુ સરફરાઝ નાગોરી પર જાહેરમાં તલવારો અને લોખંડની પાઇપો વડે હુમલો કરી લોહીલુહાણ કરી માથાના અને શરીરના અન્ય ભાગોએ ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે યુવકનું બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. ચકચારભર્યા આ કેસના ટ્રાયલ દરમ્યાન સરકારપક્ષે ૩૧ સાક્ષીઓ અને ૩૭ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીઓને મહત્તમ સજા ફટકારવાની દલીલો કરતાં જણાવાયું હતું કે, આરોપીઓએ માત્ર અંગત અદાવતમાં માત્ર ૨૦ વર્ષના એક નિર્દોષ છોકરાને એકસંપ થઇ ગેરકાયદે મંડળી રચી અગાઉથી કરેલા પ્લાનીંગ મુજબ, તેને ઘેરી લઇ તલવારો, લોખંડની પાઇપો જેવા ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરી તેને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો છે. આવા સમાજ વિરોધી ગંભીર ગુનાને કોર્ટે સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી. આરોપીઓનો આ અપરાધ જઘન્ય અપરાધ હોઇ તેને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ગણી કોર્ટે તમામ આરોપીઓને મહત્તમ અને ના હોય તો ફાંસીની સજા ફટકારવી જોઇએ. જો કે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ગણવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ કેસના તમામ છ આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. જો કે, આજીવન કેદની સજા પામનાર આરોપીઓમાં એક એડવોકેટ ઇમરાન વકીલ હોઇ વકીલઆલમમાં આ કેસનો ચુકાદો આજે ચર્ચાનો મુદ્દો બની રહ્યો હતો. કારણ કે, અમદાવાદના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઇ એડવોકેટને મર્ડર કેસમાં જન્મટીપની સજા થઇ છે.


Google NewsGoogle News