૨૦ ટકા ઓછી કિંમતે શેર અપાવવાનું કહીને ૫૩ લાખ રૂપિયા પડાવી લેવાયા
બેંકના નિવૃત અધિકારી સાથે આબાદ છેતરપિંડી
નફો અને રોકાણ પરત મેળવવાનું કહેતા ૮૦૦ ગણો નફો અપાવવાનું કહીને લાલચ આપીઃ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
અમદાવાદ,
શુક્રવાર
શહેરના ત્રાગડ માલાબાર કાઉન્ટીમાં રહેતા ૬૭ વર્ષીય નિવૃત બેંક કર્મચારી પાસેથી ે બજાર કરતા ૨૦ ટકા ઓછી કિંમતે શેર અપાવવાનું કહીને બનાવટી વેબસાઇટ પર ખોટો નફો બતાવીને ૫૩ કરોડથી વધારેનું રોકાણ કરાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.શહેરના એસ જી હાઇવે નિરમા યુનિવર્સિટી પાછળ આવેલા માલાબાર કાઉન્ટી-૨માં રહેતા અશોકભાઇ પંડયા બેંકના નિવૃત કર્મચારી છે. ગત ૨૭મી એપ્રિલના રોજ તેમને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી અંજલી શર્મા નામનો મેસેજ આવ્યો હતો. તેણે જણાવ્યું હતુ કે તે શેરબજારમાં ટીપ્સ આપીને નફો કરાવશે. જે બાદ તેમને એક વોટ્સએપ ગુ્રપમાં એડ કરીને ટીપ્સ આપી હતી. તે પછી તેમને એક લીંક મોકલીને મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. તે પછી ૨૦ ટકા ઓછી કિંમતે શેર અપાવવાનું કહીને ૪૬ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાવ્યું હતું. જો કે તેમણે નાણાં ઉપાડવા માટે કહેતા અંજલી શર્માએ કહ્યું હતું કે તે ૮૦૦ ટકા પ્રોફીટ અપાવશે. તે બાદ અન્ય વધુ નાણાં રોકવાની સાથે ૫૩ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. થોડા દિવસ બાદ જાણીતી કંપનીના આઇપીઓના શેર સસ્તામાં અપાવવાનું કહીને બીજા ૨.૩૩ કરોડનું રોકાણ કરવાનું કહેતા અશોકભાઇને શંકા ઉપજી હતી. જેથી આ અંગે તેમણે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.