Get The App

પાંચ સિક્યોરીટી ગાર્ડ દ્વારા યુવતી પર ગેંગરેપ અને મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ

શીેલજમાં આવેલા સાફલ્ય રીનોનમાં બનેલી ચકચારી ઘટના

પાંચ પૈકી ત્રણ સિક્યોરીટી ગાર્ડ એપાર્ટમેન્ટમાં જ નોકરી કરતા હતાઃ ઘરમાંથી લાખોનો મુદ્દામાલ અને કારની લૂંટ કરીઃ પાલનપુરથી તમામને ઝડપી લેવાયા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News

 પાંચ સિક્યોરીટી ગાર્ડ દ્વારા યુવતી પર ગેંગરેપ અને મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ 1 - imageઅમદાવાદ,શુક્રવાર

શહેરના શિલજમાં આવેલા સાફલ્ય રીનોન નામના એપાર્ટમેન્ટમાં ગત રાત્રીેએ  સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવનાર ઘટના બની હતી. જેમાં એપાર્ટમેન્ટમાં જ સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ત્રણ પંજાબના વ્યક્તિ અને અન્ય બે લોકોએ  રાતના સમયે એક ફ્લેટમાં લૂંટના ઇરાદે ઘુસી જઇને મકાન માલિક મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને તેને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી ૧૯ વર્ષીય યુવતી પર ગેંગરેપ કર્યો હતો. તે પછી લૂંટનો મુદ્દામાલ અને  કાર લઇને નાસી ગયા હતા.  જો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બનાસકાંઠા પોલીસ સાથે સંકલન કરીને આરોપીઓ ગુજરાતની બહાર નાસી જાય તે પહેલા જ  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.  આ અંગે વિશેષ ટીમ બનાવીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શીલજમાં આવેલા સાફલ્ય રિનોનમાં ગત રાત્રીએ અચાનક લાઇટ બંધ થતા તે એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા ગ્રાઉન્ડ ફ્લોર પર તપાસ કરવા આવી હતી. જેમાં કોઇએ મેઇન સ્વીચ બંધ કરી હોવાથી તેણે સ્વીચ ચાલુ કરી હતી. જેના થોડીવાર બાદ ફરીથી લાઇટ બંધ થતા તે નીચે ગઇ હતી અને ત્યા હાજર સિક્યોરીટી ગાર્ડને જાણ કરી હતી. જો કે આ દરમિયાન અચાનક ઘરમાં એપાર્ટમેન્ટના ત્રણ સિક્યોરીટી ગાર્ડ અને અન્ય બે વ્યક્તિ સહિત પાંચ લોકો ઘસી આવ્યા હતા  અને તેમણે મહિલાને ધક્કો મારીને નીચે પાડીને તેને ધમકાવીને ઘરમાંથી રોકડ, દાગીના, એટીએમ કાર્ડ, સહિતનો મુદ્દામાલ લૂંટયો હતો. જે બાદ પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓએ મહિલાના ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી યુવતી સાથે ગેંગ રેપ કર્યો હતો અને મહિલા સાથે પણ દુષ્કર્મના પ્રયાસ કર્યો હતો.  બાદમાં ઘરમાંથી મહિલાના ઘરમાંથી કારની ચાવી લઇનેક કાર લઇને પાંચેય જણા ફરાર થઇ ગયા હતા. આ બાબતે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા બોપલ પોલીસ ઉપરાંતઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા  અમૃતપાલસિંગ શીખ (રહે. અમૃતસર, પંજાબ)સુખવિન્દરસિંગ શીખ અને  મનજીતસિંગ  શીખ (બંને રહે. ગોડવાલ , પંજાબ) તેમજ  નજીક એપાર્ટમેન્ટમાં નોકરી કરતા રાહુલસિંગ કોસાવા (રહે.ઘડાયતા, ઉત્તરપ્રદેશ) અને હરિઓમ ઠાકોર (રહે. રાંગડ મધ્યપ્રદેશ) દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. તે પછી એકપણ ક્ષણનો વિંલંબ કર્યા વિના અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા અમિત વસાવાએ ટેકનીકલ સર્વલન્સના આધારે ટ્રેકીગ શરૂ કરાવીને પોલીસની અલગ અલગ ટીમને મોકલી આપી હતી. જેમાં આરોપીઓ કાર લઇને મહેસાણાના રૂટથી રાજસ્થાન જતા હોવાથી તાત્કાલિક બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજને સમગ્ર બાબતે જાણ કરીને પાલનપુર તરફ આવી રહેલી શંકાસ્પદ કારને રોકવા માટે સુચના આપી હતી. જેના આધારે પાલનપુર પોલીસના તમામ સ્ટાફ અરોમા સર્કલ પાસે ગોઠવીને વાહનચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આરોપીઓ કારને રસ્તામાં જ મુકી  અન્ય વાહનમાં બેસી ગયા હતા.  સદનસીબે બનાસકાંઠા પોલીસે એક રાજસ્થાન જતી ખાનગી ટ્રાવેલ્સમાંથી લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જે બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

 દિવાળી બાદ પરત નોકરી પર નહી આવવાનું હોવાથી એપાર્ટમેન્ટમાં લૂંટની યોજના ઘડી

સાફલ્ય રિનોનમાં ઘણા મહિનાઓથી  અમૃતપાલસિંગ, સુખવિન્દરસિંગ અને મનજીતસિંગ સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેમની સિક્યોરીટી એજન્સીએ બે દિવસ પહેલા પગાર અને દિવાળી બોનસ ચુકવ્યું હતું. જેથી દિવાળીની રજામાં વતનમાં ગયા બાદ તેમનો ગુજરાતમાં પરત આવવાનો ઇરાદો નહોતો. તેમને ખ્યાલ હતો કે એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા એસ્ટેટ બ્રોકીંગનું કામ પણ કરતી હોવાથી તેને ત્યાં રોકડ મળી શકે તેમ હતી. જેથી તેને અન્ય એપાર્ટમેન્ટમાં  સિક્યોરીટી તરીકે કામ કરતા રાહુલસિંગ અને  હરિઓમ ઠાકોરને સાથે રાખીને પ્લાન બનાવ્યો હતો. જેમાં  એક વ્યક્તિ ગ્રાઉન્ડ ફ્લોરમાંથી મહિલાના ફ્લેટની મુખ્ય  વીજલાઇન બધ કરતો હતો. જેથી મહિલા નીચે આવી હતી. આ દરમિયાન ઘરમાં ઘુસી જઇને બંનેને બંધક બનાવીને લૂંટ કરી હતી અને દુષ્કર્મ પણ આચર્યું હતું. 

 બનાસકાંઠા પોલીસે થ્રી લેયર સિસ્ટમથી વાહનચેકિંગ કરીને આરોપીઓને ઝડપી લીધા

આરોપીઓએ કારને રસ્તામાં મુકી દીધી હોવાથી તેમને પકડવા તે પોલીસ માટે પડકાર સમાન હતું. જેથી બનાસકાંઠા પોલીસે થ્રી લેયર ચેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને પાલનપુર એલસીબી, એઓસજી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફને અરોમા સર્કલ પાસે બોલાવીને મહેસાણા તરફથી આવતા તમામ વાહનોને રોકીને તપાસ શરૂ કરી હતી. જેમાં ત્રણ અલગ અલગ ટીમ તપાસ કરતી હતી. જેના કારણે પાલનપુર સર્કલ પર ભારે ટ્રાફિક જામ પણ થયો હતો. જો કે સદનસીબે આરોપીઓ બસમાંથી ભાગે તે પહેલા જ ઝડપી લેવાયા હતા.

 સિક્યોરીટી એજન્સી સામે પણ કાર્યવાહીની શક્યતા

ગેંગ રેપ અને લૂંટનો ગુનો આચરનાર સિક્યોરીટી ગાર્ડ જે એજન્સીમાં કામ કરતા હતા. તે એજન્સી પાસેથી પોલીસે જરૂરી કાગળો મંગાવ્યા છે. જેમાં કોઇ રજીસ્ટ્રેશન કે અન્ય જરૂરી માહિતી પોલીસને નહી આપવામાં આવી હોય તો પોલીસ દ્વારા સિક્યોરીટી કંપનીનું લાયસન્સ રદ કરવા સુધી કાર્યવાહી થશે.

 બળાત્કારની કલમમાં નવા સુધારા મુજબ ગેંગરેપનો ગુનો બોપલ પોલીસે નોંધ્યો

આઇપીસી મુજબ ગેંગરેપની કલમમાં કરાયેલા નવા સુધારા મુજબ બોપલ પોલીસે ગુનો નોંધ્યો છે. જે મુજબ કોઇ ચોક્કસ ગેંગ પિડીત સાથે દુષ્કર્મ કરવાના બદઇરાદે હુમલો કરે અને તે પૈકી એક કે તેથી વધુ આરોપીઓ દુષ્કર્મ આચરે તો પણ તમામ ગેંગના તમામ લોકો સામે ગેંગરેપનો ગુનો નોંધવામાં આવે છે. આ કેસની તપાસ  ડીવાયએસપીના  દ્વારા કરવામાં આવશે.

 પોલીસ કારનો પીછો કરતી હોવાથી કારને મહેસાણા પાસે છોડીને લક્ઝરી બસમાં બેસી ગયા

લૂંટ અને દુષ્કર્મનો ગુનો કરીને કારને લઇને તમામ આરોપીઓએ પંજાબ જવાનું નક્કી કર્યું હતું.  અમૃતપાલસિંગને શંકા હતી કે  કારના નંબરને તેમજ ફાસટેગમાં કપાતા નાણાંને  આધારે પોલીસ પીછો કરીને તેને ઝડપી લેવામાં આવી શકે છે. જેથી મહેસાણા ક્રોસ કર્યા બાદ કારને મુકીને તે બસમાં બેસી ગયા હતા. એટલું જ નહી રસ્તામાં કારમાં પેટ્રોલ પુરાવવા માટે અને અન્ય ખર્ચ માટે મહિલાના એટીએમ કાર્ડનો પીન નંબર જાણીને ૪૦ હજાર રૂપિયા ઉપાડયા હતા. જેથી પોલીસને ટેકનીકલ સર્વલન્સમાં મદદ મળી હતી.

 બળાત્કારની કલમમાં નવા સુધારા મુજબ ગેંગરેપનો ગુનો બોપલ પોલીસે નોંધ્યો

આઇપીસી મુજબ ગેંગરેપની કલમમાં કરાયેલા નવા સુધારા મુજબ બોપલ પોલીસે ગુનો નોંધ્યો છે. જે મુજબ કોઇ ચોક્કસ ગેંગ પિડીત સાથે દુષ્કર્મ કરવાના બદઇરાદે હુમલો કરે અને તે પૈકી એક કે તેથી વધુ આરોપીઓ દુષ્કર્મ આચરે તો પણ તમામ ગેંગના તમામ લોકો સામે ગેંગરેપનો ગુનો નોંધવામાં આવે છે. આ કેસની તપાસ  ડીવાયએસપીના  દ્વારા કરવામાં આવશે.


Google NewsGoogle News