મોર્નીગ વોકમાં જતા લોકોના ફોનની લૂંટ કરતી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા
બોપલમાંથી સગીરનો ફોન લૂંટ કર્યો હતો
સવારના સમયે લોકોને ટારગેટ કરતા હતાઃ સરખેજ પોલીસે આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી
અમદાવાદ,શનિવાર
એસ પી રીંગ રોડ અને એસ જી હાઇવે પર મોનિગ વોકમાં જતા લોકોને ટારગેટ કરીને મોબાઇલ ફોન અને કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરતી ગેંગના બે સગીર સાગરિતો સહિત પાંચ લોકોને સરખેજ પોલીસે ઝડપી લીધા છે. થોડા દિવસ પહેલાં એસ પી રીંગ રોડ બોપલમાં એક સગીર સાયકલ ચાલકને માર મારીને મોબાઇલની લૂંટ કરવાની સાથે તેમણે અન્ય ગુના પણ આચર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.શહેરના શેલા વિસ્તારમાં રહેતો એક ૧૬ વર્ષીય સગીર ત્રણ દિવસ પહેલા વહેલી સવારે વીઆઇપી રોડના અંડર પાસ થઇને એસ પી રીંગ રોડ પર સાઇકલ લઇને જઇ રહ્યો હતો . તે સમયે બે સ્કૂટર પર આવેલા પાંચ યુવકોએ તેનો પીછો કર્યો હતો. બાદમાં રોકીને છરી બતાવીને ધમકી આપીને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. આ બનાવ અંગે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેેમાં ટેકનીકલ સર્વલન્સ અને સીસીટીવી ફુટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરીને મુદ્દામાલ સાથે પાંચ લોકોને ઝડપી લીધા હતા. જેમાં બે સગીર હોવાનું જાણવા મળ્યું હતું. પુછપરછ કરતા અન્ય ત્રણના નામ પવન પઢિયાર , કિશન બારોટ, પવન પવાર (તમામ રહે. બહેરામપુરા)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પુછપરછમાં તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં તેમજ અન્ય સ્થળોએ પણ લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ જણાવ્યું કે વધુ તપાસ કરતા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. જેમાં લૂંટ અને ચોરીના ગુના આચર્યાનું સામે આવ્યું છે. જેથી રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.