રૂપેશ દોશીએ શેરમાર્કેટમાં નુકશાન થતા છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું
સીબીઆઇ, રૉ અને ઇડીના અધિકારીની ખોટો ઓળખ આપવાનો મામલો
અમદાવાદ સહિત પુના અને મુંબઇમાં પણ અનેક લોકોને છેતર્યા હોવાની શક્યતાઃ અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂપેશ દોશી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ
અમદાવાદ,શુક્રવાર
શહેરના બોપલ વિસ્તારમાં રહેતા રૂપેશ દોશી નામના ગઠિયાએ પોતાની ઓળખ રૉ, સીબીઆઇ , ઇડી સહિતની કેન્દ્રીય એજન્સીઓના અધિકારીને ઓળખ આપીને છેતરપિંડી કરનારની અંતે મુંબઇથી અટકાયત કરવામાં આવી છે. રૂપેશ દોશી નિવૃતિ બાદ શેરબજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કરતો હતો. પરંતુ, લોકડાઉન સમયે શેરબજારમાં નુકશાન થતા તે પાયમાલ થઇ ગયો હતો. આ સમયે તેણે કેન્દ્રીય એજન્સીના અધિકારી તરીકે એક પીએસઆઇને કોલ કરીને ફુડ પાર્સલ મંગાવ્યું હતું. જેમાં સફળતા મળતા તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી મોટાપ્રમાણમાં ફુડ પાર્સલ મંગાવવાની સાથે ટેક્સી બુક કરાવવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ રૂપેશ દોશી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.
શહેરના સાઉથ બોપલમાં રહેતા રૂપેશ દોશી નામના નિવૃત અધિકારીએ પોતાની ઓળખ સીબીઆઇ, ઇડી, રૉના અધિકારી તરીકે આપીને મોટા પ્રમાણમાં ફુડ પાર્સલ મંગાવવાની સાથે ટેક્સી બુક કરાવી હતી. આ મોડ્સ ઓપરેન્ડીથી તે ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને છેતરતો હતો. જો કે અંતે ફુડ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી હતી. જો કે અમદાવાદમાં ન હોવાથી પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે તેનું પુનાનું લોકેશન મળ્યું હતું. જેના આધારે તેની અટકાયત કરવામાં આવી હતી.બીજી તરફ આ અંગે ક્રાઇમબ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે રૂપેશ દોશીને કોરોના સમયે લાગેલા લોકડાઉનમાં શેરબજારમાં મોટાપ્રમાણમાં નુકશાન થયું હતું. જેના કારણે આર્થિક સ્થિતિ કંગાળ જેવી થઇ ગઇ હતી. જો કે તેણે એક વાર ટ્રુ કોલરમાં સીબીઆઇનું નામ સેટ કરીને એક પીએસઆઇને કોલ કરીને ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપીને જમવા માટે પાર્સલ મંગાવ્યું હતું. જેમાં સફળતા મળતા તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી અલગ અલગ મોબાઇલ નંબરથી સીબીઆઇ, ઇડી , રૉ જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપીને શહેરના અનેક રેસ્ટોરન્ટમાંથી જમવાના પાર્સલ મંગાવ્યા હતા. સૌથી નવાઇની વાત એ છે કે તે કોઇ દિવસ હોટલમાં પરિવાર સાથે જમવા માટે જતો નહોતો. રૂપેશ દોશીની સત્તાવાર ધરપકડ બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.