દંતાલી પાસેના સ્પર્શ બંગ્લોઝમાં લૂંટારૂઓએ વૃદ્ધાને બધંક બનાવી લૂંટ કરી
એસપી રીંંગ રોડ ઓગણજ સર્કલ નજીક આવેલા સ્પર્શ બંગ્લોઝની ઘટના
વૃદ્ધાનું મો દબાવીને ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ રૂપિયા ૮.૯૦ લાખની મત્તા લૂંટીઃ સોસાયટીના અન્ય બે બંગ્લોઝને ટારગેટ કરાયા
અમદાવાદ,સોમવાર
એસ પી રીંગ રોડ ઓગણજ સર્કલથી નજીક આવેલા દંતાલી ગામ સ્થિત સ્પર્શ બંગ્લોઝમાં રવિવારે ત્રાટકેલા બે લૂંટારૂઓએ ેએક વૃદ્ધાનું મો દબાવીને મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા ૮.૯૦ લાખની મત્તાની લૂંટ કરી હતી. આ ઉપરાંત, અન્ય બેં બંગ્લોઝમાંથી પણ ચોરી કરી હતી. આ બનાવ અંગે સાંતેજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામમાં આવેલા સ્પર્શ બંગ્લોઝમાં રહેતા મહેશભાઇ ચૌહાણ નારણપુરા વિજયનગર રોડ આવેલા ખોડીયાર કોમ્પ્લેક્સમાં ફુટવેર શોપ ધરાવે છે. રવિવારે રાત્રે તેમના ઘરે સાળા તેના પરિવાર સાથે આવ્યા હતા. રાતના સાડા દશ વાગે મહેશભાઇ, તેમના પત્ની અને તેમના સાળા પરિવાર સાથે ઘરના પહેલા માળે સુતા હતા. જ્યારે તેમના માતા વસંતીબેનની ઉમર ૮૦ વર્ષની હોવાથી તે નીચેના માળે સુતા હતા. સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાના આસપાસના વસંતીબેનનો અવાજ આવતા મહેશભાઇ અને પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા અને જોયું તો કબાટ વેરવિખેર હતો. આ અંગે પુછતા વસંતીબેને જણાવ્યું હતું કે બે શખ્સો ચોરી કરવા માટે આવ્યા હતા. જેથી તેમણે અવાજ કરતા એક વ્યક્તિએ તેમનું મો દબાવીને મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અન્ય અન્ય મત્તાની લૂંટ કરી હતી. આ સમયે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અન્ય બે બંગ્લોઝમાંથી ચોરી કરવામાં આવી હતી. જેમાં સીસીટીવીમાં બે શખ્સો જોવા મળી આવ્યા હતા. જેના આધારે સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી છે. દંતાલી ગામ ઓગણજ સર્કલથી નજીક આવેલું હોવાથી લૂંટારૂઓ અમદાવાદ તરફ નાસી ગયા હોવાની શક્યતાને આધારે ગાંધીનગર પોલીસની સાથે અમદાવાદ પોલીસે પણ તપાસ શરૂ કરી છે.