બાળકો પાસે ભીખ મગાવતા માતા-પિતા વિરૂદ્ધ પાંચ ગુના નોંધાયા
અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી
પાંચ બાળકો સહિત અત્યાર સુધી કુલ ૧૫થી વધુ બાળકોને રેસક્યુ કરાયાઃ બાળકોના પુનઃવસન માટે કામગીરી કરાશે
અમદાવાદ,સોમવાર
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં માતા-પિતા અને વાલીઓ દ્વારા મોટા પ્રમાણમાં ભીક્ષાવૃતિ કરાવવામાં આવે છે.જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે ભીક્ષા વૃતિ કરતા બાળકોને રેસક્યુ કરાવીને પુનઃવસન માટેની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે બે દિવસમાં પાંચ બાળકોને રેસક્યુ કરીને ભીક્ષાવૃતિ કરાવતા વાલીઓ અને તેના માતા-પિતા વિરૂદ્ધ પાંચ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ, એસ જી હાઇવે , જજીસ બંગ્લોઝ, માનસી સર્કલ, શ્યામલ ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં મોટાપ્રમાણમાં નાના બાળકોને સાથે રાખીને ભીક્ષાવૃતિ કરાવવામાં આવે છે. સાથેસાથે કેટલાક એજન્ટો પણ બાળકો પાસે ડ્ગ્સની હેરાફેરી કરાવતા હોવાના કિસ્સા પણ અગાઉ સામે આવ્યા હતા. જે અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા બાળકોેને રેસક્યુ કરવા માટેની ડઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ સાથે સંકળાયેલા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ,મહિલા પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં બે દિવસ દરમિયાન પાંચ બાળકોને રેસક્યુ કરીને તેમની પાસે ભીક્ષાવૃતિ કરાવતા માતા પિતા વિરૂદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં ૧૫થી વધુ બાળકોને છોડાવીને પુનઃવસન માટેની કામગીરી શરૂ કરી છે. જેમાં બાળકોેને સમાજની મુખ્ય ધારામાં જોડવા માટે તેમના અભ્યાસ માટેની કામગીરી કરવામાં આવશે. પોલીસની આ કામગીરી આગામી છ મહિના સુધી કરવામાં આવશે.