વડોદરામાં પૂરના પાણી ઓસરતા રેલવે સ્ટેશન ગરનાળુ ખુલ્લું થતા વાહન ચાલકોને રાહત
Vadodara News : વડોદરાને ચાર દિવસ અગાઉ દિવસભર સતત ઘમરોળતા વરસાદના કારણે પાણીથી ભરાયેલું સયાજીગંજ ગરનાળુ વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ કરાયું હતું. પરિણામે શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારના વાહન વ્યવહાર માટે જેતલપુર બ્રિજ અને અટલ બ્રિજ પર સતત ભારે વાહન વ્યવહાર ચાલુ રહેતા વારંવાર ટ્રાફિક ગામ સર્જાયા કરતો હતો.
વાહન ચાલકોને સયાજીગંજ ગરનાળાની અવેજીમાં આ બંને રસ્તાનો ઉપયોગ કરવા ફરજ પડતી હતી. સતત ચાર દિવસ સુધી બંધ રહેલ સયાજીગંજ ગરનાળામાં ભરાયેલું વરસાદી પાણી આજે ખાલી થતા મોટા પ્રમાણમાં કાદવ કિચડ જોવા મળતો હતો. પાલિકા તંત્ર દ્વારા બુલડોઝરના સહારે કાદવ કિચડની તાત્કાલિક યુદ્ધના ધોરણે સાફ-સફાઈ કરીને ગરનાળાનો રસ્તો પુનઃ ખુલ્લો કરાતા શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો આ રસ્તો ખુલ્લો થતાં વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો.