SVP હોસ્પિટલની દાદાગીરી, 81 વર્ષના વૃદ્ધને દાખલ કરવાની ધરાર પાડી ના: મહિલાએ વીડિયો વાયરલ કરતા તંત્રમાં ખળભળાટ મચ્યો !
- હોસ્પિટલ સત્તાવાળા સામે આક્રોશ : પાલડીના મહિલાએ વિડિયો વાઈરલ કરી હોસ્પિટલ સત્તાવાળા પાસે જવાબ માંગ્યો
અમદાવાદ : 81 વર્ષની વયના સસરા કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે દાખલ કરવા પહોંચેલા પાલડીના એક મહિલા દ્વારા હોસ્પિટલની મનમાની સામે આક્રોશ વ્યકત કરતો વિડીયો વાઈરલ કરી હોસ્પિટલ સત્તાવાળાઓ પાસે જગ્યા નથી એ અંગેનો જવાબ માંગતા આ વિડીયોથી મ્યુનિ.તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ,પાલડી વિસ્તારમાં રહેતા મહિલા તેમના 81 વર્ષના કોરોના પોઝિટિવ આવેલા સસરાને લઈ એસ.વી.હોસ્પિટલ ખાતે સવારના દસ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી તેમના સસરાને હોસ્પિટલમાં કોવિડ પેશન્ટ તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવે એ માટેના પ્રયાસ કરતા રહ્યા.
આમ છતાં પણ એસ.વી.પી.હોસ્પિટલ દ્વારા જગ્યા નથી એમ કહી તેમના સસરાને દાખલ કરવાનો ઈન્કાર કરી દેવાતા મહિલાએ તેમની વેદના વિડીયો દ્વારા વાઈરલ કરી હતી. વિડીયોમાં મહિલાના કહેવા પ્રમાણે,81 વર્ષની વયના મારા સસરાને બી.પી.ઉપરાંત ડાયાબિટીસ સાથે ડાયેરીયા અને કોરોના પોઝિટિવ છે.મારી સાથે મારા સાસુ ઉપરાંત દિકરો જે સેરેબલ પાલ્સીનો દર્દી છે એ રહે છે.
મારા સસરાને અનેક તકલીફ હોવા છતાં એસ.વી.પી.હોસ્પિટલ વાળાઓએ સારવાર માટે દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે.મારી આર્થિક સ્થિતિ એવી નથી કે,હું મારા સસરાને ખાનગી હોસ્પિટલના મોટા પેકેજ સાથે સારવાર માટે દાખલ કરાવી શકુ.આ સ્થિતિમાં મેં મારા સસરાને એકરૂમમાં કોન્ટાઈન કરીને રાખ્યા છે.મને કોઈ જવાબ આપશે?
અત્રે નોંધનીય છે કે,એસ.વી.પી.હોસ્પિટલ 1200 બેડની હોવાનો દાવો મ્યુનિ.દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં કોવિડ પેશન્ટો માટે કેટલા બેડ અને નોન કોવિડ માટે કેટલા બેડ? અને ખાલી કેટલા બેડ છે વગેરે જેવી બાબતો મ્યુનિ.ના સંબંધિત અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં કયા કારણથી આવતી નથી?