વડોદરામાં આજે સાંજે રાવણ દહન : પોલો ગ્રાઉન્ડ ખાતે 51 ફૂટ ઊંચું પૂતળું ઉભુ કરવામાં આવ્યું
- વડોદરામાં દશેરા સિવાય પ્રથમ વખત લોકોને રાવણ દહન નિહાળવા મળશે
વડોદરા,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર
અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં રામ લલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે, જેને અનુલક્ષીને શહેરના રામભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં આજે સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રાના આયોજન બાદ સાંજે 7 વાગ્યે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણદહનનો કાર્યક્રમ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજાશે. આ માટે રાવણનું 51 ફૂટ ઊંચું પૂતળું પોલો ગ્રાઉન્ડ ખાતે આ જ સવારથી ઊભું કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી વડોદરામા જીઆઇડીસીમાં રાવણનું પૂતળું બનાવવાનું કામ ચાલુ કરી દેવાયું હતું. આગરાથી ચાર કારીગરો પૂતળું બનાવવાની કામગીરીમાં લાગ્યા હતા. પૂતળું બનાવનાર કારીગર શરાફત અલી કહે છે કે વડોદરામાં છેલ્લા 25 વર્ષથી પૂતળા બનાવવાની કામગીરી કરું છું. આમ તો હું આ કામ સાથે મારા પિતાજીના વખતથી જોડાયેલો છું. દર વર્ષે દશેરા પહેલા પૂતળા બનાવવાનું કામ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે અયોધ્યાના મહોત્સવ ધ્યાનમાં રાખીને પણ મને આ પૂતળું બનાવવાનો અવસર મળ્યો છે. આ પૂતળું બનાવવામાં વાંસ, વડી, કાગળ, સૂતળી, કાથી, સાડી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂતળામાં ફુવારા વછુટે તેવા ફટાકડા પણ ભરવામાં આવ્યા છે. પૂતળાં દહન સાથે જ આતશબાજી થશે. વડોદરામાં દશેરા સિવાય પ્રથમ વખત લોકોને રાવણ દહન નિહાળવા મળશે.