દિવાળી નિમિતેનો વધારાની ખાંડ, તેલ, દાળનો જથ્થો રેશનકાર્ડધારકોને હજુ મળ્યો નથી !

- દિવાળી જતી રહી પરંતુ ગરીબોના ઘરમાં જથ્થો ન પહોંચ્યો

- ગરીબોની મશ્કરી કરાઇ, પહેલી વખત એવું બન્યું કે દિવાળી નિમિતેનો રાશનનો જથ્થો જરૂરિયાતમંદો સુધી ન પહોંચ્યો

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News

અમદાવાદ,તા.11 નવેમ્બર 2021, ગુરૂવારદિવાળી નિમિતેનો વધારાની ખાંડ, તેલ, દાળનો જથ્થો રેશનકાર્ડધારકોને હજુ મળ્યો નથી ! 1 - image

રેશનિંગની દુકાનોમાં આ વર્ષે દિવાળી નિમિતેનો વધારાનો ખાંડ, તેલ અને તુવેરદાળનો જથ્થો દિવાળીના તહેવાર જતા રહ્યા પછી પણ કાર્ડધારકો સુધી પહોંચ્યો નથી. ગરીબી રેખા હેઠળ જીવતા અને રેશનિંગના અનાજ પર નભતા લાખો પરિવારોની આ વર્ષે દિવાળી બગડી છે. ગોડાઉન અને દુકાનોમાં ઉપલબ્ધ જથ્થામાંથી જેમતેમ કરીને કેટલાક વિસ્તારોમાં દિવાળીના દિવસોમાં પુરવઠો અપાયો હતો. જોકે હજુ પણ મોટાભાગના કાર્ડધારકો દિવાળીના જથ્થાથી વંચિત રહ્યા છે. પૂર્વ અમદાવાદમાં રહેતા ગરીબ-મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.

પુરવઠા ખાતામાં યોગ્ય આયોજનનો અભાવ, ખાંડ, તેલ, દાળ ખરીદીમાં સેમ્પલો લેવામાં થતો વિલંબ સહિતના કારણોસર આ વર્ષે એનએફએસએ કાર્ડધારકો દિવાળીના તહેવારોમાં જ રાશનથી વંચિત રહ્યા છે.

અમદાવાદમાં ખાસ કરીને પૂર્વ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આવેલી રેશનિંગની દુકાનોમાં દિવાળીના તહેવારોમાં અપાતો વધારોની ૧ કિલો ખાંડ, ૧ કિલો તુવેરદાળ અને ૧ લીટર કપાસિયા તેલના પાઉચ પહોંચ્યા જ ન હોવાથી કાર્ડધારકો આ જથ્થાથી વંચિત રહી ગયા છે.

અમદાવાદમાં ૭૫૦ રેશનિંગની દુકાનો છે. જેમાં ૩.૩૦ લાખ કાર્ડધારકો નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળ અનાજ મેળવવાને હકદાર છે. દર વર્ષે સાતમ-આઠમ અને દિવાળીમાં કાર્ડધારકોને વધારાના અનાજનો જથ્થો અપાતો હોય છે. પરંતુ આ વર્ષે દિવાળીમાં આ વધારાનો જથ્થો કાર્ડધારકો મેળવી શક્યા નથી. 

પુરવઠા ખાતાના પરિપત્ર મુજબ તા.૧ નવેમ્બરથી દિવાળી નિમિતેના વધારાના જથ્થાનું વિતરણ ચાલુ કરી દેવુ ંપરંતુ દુકાનોમાં માલ પહોંચ્યો ન હોવાથી આ વિતરણ થઇ શક્યું નથી. દિવાળીના તહેવારમાં આપવાના વધારાના જથ્થાના પૈસા દુકાનદારોએ ઓક્ટોબર માસની ૨૦ તારીખે ભરી દીધા હતા. તેમ છતાંય આજે તા.૧૧ નવેમ્બર સુધીમાં ખાંડ, તેલ, દાળ આવી નથી. 

વહિવટી અનુકુળતા અને જાહેર હિતને ધ્યાને લઇને બીજી તરફ અમદાવાદ શહેરમાં ઝોનલ કચેરીઓમાં ઝોનલ અધિકારીઓની આંતરિક બદલીઓ કરાઇ છે. તેમજ જુનિયર, સિનિયર ક્લાર્કને પ્રમોશનો અપાયા છે 


Google NewsGoogle News