ધો.૧થી૧૨ની સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો ભરવા અંતે સરકારની મંજૂરી
૯થી૧૨માં તાસદીઠ મહેનતાણું વધ્યું
પ્રાથમિકમાં ૧૦ હજાર અને ૯થી૧૨માં ૯ હજાર પ્રવાસી શિક્ષકો મુકાશે
અમદાવાદ,બુધવાર
ગુજરાતની સરકારી
અને ગ્રાન્ટેડ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સરકારે
મંજૂરી આપતો ઠરાવ અંતે આજે કરી દીધો છે. સંચાલક મંડળો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩
શરૃ થઈ જતા શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની માંગણી કરવામા આવી હતી. આવતીકાલે
૨૩મીથી રાજ્યમાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ શરૃ થઈ રહ્યો છે ત્યારે આજે સરકારે પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપી દીધી છે.નવા
ઠરાવમાં સરકાર ધો.૯થી૧૨માં તાસદીઠ મહેનતાણું વધાર્યુ છે.
ધો.૧થી૧૨ની સરકારી,ગ્રાન્ટેડ
સ્કૂલોમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે
પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા મંજૂરી અપાય છે.ગત ૨૦૨૧-૨૨નું શૈક્ષણિક વર્ષ મેમાં
પુરુ થતુ હોઈ સરકારે પ્રવાશી શિક્ષકોની મુદત લંબાવી હતી અને વર્ષ પુરુ થતા તમામને
છુટા કરી દેવાયા હતા. હવે નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ શરૃ થઈ ગયુ છે ત્યારે
સ્કૂલોમાં ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવા માંગ થઈ હતી. શિક્ષણ
વિભાગે આજે ઠરાવ કરી દીધો છે.જેમાં વર્ષ
૨૦૨૨-૨૩ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવી દેવાઈ છે. સરકારે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતનમાં
સુધારો કર્યો છે. જે મુજબ માધ્યમિકમાં તાસદીઠ માનદ વેતન હવે વધારીને ૧૭૫ અને
મહત્તમ દૈનિક માનદ વેતન ૮૭૫ રૃપિયા કર્યુ છે.માધ્યમિકમાં મહત્તમ દૈનિક તાસ હવે
પાંચ રહેશે જે અગાઉ છ તાસ હતા. માધ્યમિકમાં અગાઉ તાસદીઠ વેતન ૧૩૫ રૃપિયા હતુ અને
દૈનિક વેતન ૮૧૦ રૃ. હતુ. ઉચ્ચતર માધ્યમિકમાં તાસદીઠ માનદ વેતન વધારી રૃ.૨૦૦ કરાયુ
છ અને મહત્તમ દૈનિક વેતન ૮૦૦ રૃપિયા કરાયુ
છે.અગાઉ તાસદીઠ ૧૪૦ રૃપિયા અને દૈનિક વેતન ૮૪૦ રૃપિયા હતુ.ઉ.મા.હવે મહત્તમ તાસ ચાર
જ રહેશે જે અગાઉ છ તાસ હતા.
સરકારના ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણમાં તાસ પદ્ધતિ
ન હોઈ ત્યાં મહત્તમ દૈનિક માદન વેતન ૫૧૦ રૃપિયા રહેશે. પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક
મહત્તમ માનત વેતનની મર્યાદા ૧૦,૫૦૦ રૃપિયા રહેશે. માધ્યમિકમાં
માસિક મહત્તમ માનદ વેતન મર્યાદા ૧૬૫૦૦ અને ઉચ્ચતર માધ્યમિકમાં માસિક મહત્તમ વેતન ૧૬,૭૦૦ રૃપિયા રહેશે.પ્રવાસી શિક્ષકોના વેતનની જોગવાઈ દર વર્ષના બજેટમાંથી કરવામા
આવે છે.આ વર્ષે હવે પ્રાથમિકમાં સરકારી-ગ્રાન્ટે શિક્ષકોની ખાલી ૧૪ હજાર જેટલી જગ્યાઓમાંથી
૧૦ હજાર જેટલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકોમાં મુકાશે.જ્યારે અગાઉ સરકારે ૩૩૦૦ જગ્યાઓ
માટે વિદ્યાસહાયકોની ભરતી કરી છે.જેઓને ટૂંક સમયમાં નિમણૂંકપત્રો અપાશે. આ ઉપરાંત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૯ હજાર જેટલા શિક્ષકો પ્રવાસી
તરીકે ખાલી જગ્યાઓમાં મુકાશે. સ્કૂલોના આચાર્યો દ્વારા સંબંધીત કચેરીમાં પ્રવાસી શિક્ષકોની
માંગણી કરાશે.