કઠવાડા પોસ્ટ ઓફિસનું સર્વર છેલ્લા 10 દિવસથી બંધ, ખાતેદારો પરેશાન

- દસક્રોઇના 8 ગામોમાં ટપાલ સેવા ઠપ

- આધારકાર્ડ, ચેકબુક, કોલ લેટર જેવી અગત્યની ટપાલો માટે ધક્કા ખાતા લોકો

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
કઠવાડા પોસ્ટ ઓફિસનું સર્વર છેલ્લા 10 દિવસથી બંધ, ખાતેદારો પરેશાન 1 - image

અમદાવાદ,તા.6 એપ્રિલ 2019,શનિવાર

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની કઠવાડા પોસ્ટ ઓફિસમાં છેલ્લા દશ દિવસથી સર્વર સંપૂર્ણ બંધ હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તમામ પ્રકારની કામગીરી જ બંધ હોવાથી આ પોસ્ટ ઓફિસના તાબા હેઠળ આવતા ૮ ગામોના લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રાહકો અને પોસ્ટ ઓફિસના સ્ટાફ વચ્ચે ભારે ઘર્ષણના બનાવ બની રહ્યા છે.

કઠવાડા મેઇઝ પોસ્ટ ઓફિસમાં સર્વર બંધ પડયું હોવાથી પોસ્ટના ખાતામાં નાણાકીય લેણ-દેણના વ્યવહાર અટકી પડયા છે. નવા ખાતા ખોલી શકાતા નથી. વિધવા પેન્શન, માસિક બચત યોજનાનું વ્યાજ પણ ન મળતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઓન લાઇન એન્ટ્રી પાડયા પછી રજીસ્ટર એડી સહિતની ટપાલોનું વિતરણ કરવાનું થતું હોય છે. આ સ્થિતિમાં ટપાલ વિતરણનું કામ પણ ખોરંભાઇ ગયું છે.

જેના કારણે સિંગરવા, કઠવાડા, ઝાણું, કુહા, કણભા, કુજાડ, પસુંજ અને કુબડથલ ગામોમાં ટપાલો પહોંચતી શકતી ન હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગ્રાહકોના રજૂઆતો બાદ હાલમાં કામચલાઉ ધોરણે ટપાલીઓએ નજીકની ઓઢવ પોસ્ટ ઓફિસમાં ટપાલોની એન્ટ્રી કરાવીને તેનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરી છે.

આધારકાર્ડ, પાન કાર્ડ, ચેક બુક, ડ્રાઇવીંગ લાયસન્સ, નોકરીના કોલ લેટર આવ્યા કે નહીં તે માટેની તપાસ કરવા માટે ગ્રાહકોએ જાતે ધક્કા ખાવાની નોબત આવી પડી છે. આ પોસ્ટ ઓફિસની સર્વર સંબધીત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી ઉઠવા પામી છે.


Google NewsGoogle News